Canada Ends Fast Track Visa Programme : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો દિવસેને દિવસે કથળી રહ્યા છે. ત્યારે અભ્યાસ કે નોકરી માટે કેનેડા જવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્કીમ પ્રોગ્રામ 8 નવેમ્બરે બંધ કરી દીધો છે. સિસ્ટમ બંધ થવાથી ફાસ્ટ ટ્રેક સ્ટડી પરમીટ આપવાની પ્રક્રિયા પણ ખતમ થઈ ગઈ છે. તેથી હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ઝડપથી વિઝા મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે.
શુ છે સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ(SDS)?
મળતી માહિતી મુજબ, કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ વિભાગે વર્ષ 2018માં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ(SDS) શરૂ કરી હતી. તેનો ઉદ્દેશ્ય ભારત, ચીન અને ફિલિપાઈન્સ સહિત 14 દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયાને સરળ કરવાની હતી. વિદ્યાર્થીઓને વિઝા અથવા વર્ક પરમિટ મળી શકે તેવી કેટલીક શરતો નક્કી કરવામાં આવી હતી. તેમાં 20635 કેનેડિયન ડોલર (લગભગ રૂ. 12.5 લાખ)નું કેનેડિયન ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ(GIC) અને અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષાની પરીક્ષા આપવાનો સમાવેશ થાય છે. SDS પ્રોગ્રામ હેઠળ સફળ અરજદારો થોડા અઠવાડિયામાં અભ્યાસ પરમિટ મેળવી શકતા હતા.
વિદ્યાર્થીઓને હવે વિઝા અને વર્ક પરમિટ માટે લાંબો સમય રાહ જોવી પડશે
કેનેડાની સરકારે લીધેલા આ નિર્ણય હવે ભારત સહિત ઘણાં દેશોના વિદ્યાર્થીઓને વિઝા અને વર્ક પરમિટ માટે લાંબો સમય રાહ જોવી પડશે. આ સિવાય પણ બીજી વિઝા અરજી કરવાની પ્રક્રિયામાં પણ કડકાઈ વધારવામાં આવી છે. પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ભાષા માટેનો ટેસ્ટ અને બેન્ચમાર્ક પહેલા કરતા વધુ અઘરા બન્યા છે. હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કિસ્સામાં જીવનસાથી માટે મર્યાદિત વર્ક પરમિટ આપવામાં આવશે.
કેનેડાએ કેમ આ નિર્ણય કર્યો?
હકીકતમાં કેનેડા તેના આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્રમાં આપવામાં આવતા ફાયદાઓને સંતુલિત કરવા માટે કામ કરી રહ્યું છે. વર્ષ 2023માં લગભગ 8 લાખ પરમિટ ધારકો કેનેડા પહોંચ્યા હતા. જેના કારણે ત્યાં આવાસ અને સેવાઓ પર દબાણ ખૂબ વધી ગયું છે. અને તેની કિંમતમાં ઉતરોતર વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે કેનેડાએ આ દબાણ ઘટાડવા માટે આ પગલું ભર્યું છે.
ભારતીયો માટે કેમ ઝટકો?
• કેનેડાએ સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ પ્રોગ્રામ બંધ કર્યો, હવે વિઝા માટે મારવા પડશે ફાંફાં
• ભારત, ચીન, બ્રાઝિલ, પાકિસ્તાન સહિત 14 દેશો માટે ફાસ્ટટ્રેક વિઝા બંધ કર્યા
• SDSમાં અરજી કરનાર 95 ટકા વિદ્યાર્થીઓને ચાર જ સપ્તાહમાં વિઝા મળી જતાં હતા
• 2022માં કેનેડા ગયેલા 80 ટકા ભારતીય વિદ્યાર્થીઓએ SDS પ્રોગ્રામ હેઠળ જ વિઝા મેળવ્યા હતા
• 2023માં રેગ્યુલર સિસ્ટમમાં માત્ર 10 ટકા જ્યારે SDSમાં 73 ટકા ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મળ્યા હતા
• સતત વધતાં વિદ્યાર્થીઓને કારણે કેનેડાના હાઉસિંગ અને સર્વિસ સેક્ટર પર વધ્યું દબાણ
કેટલા વિદ્યાર્થીઓ ભારતથી જાય છે કેનડામાં અભ્યાસ કરવા
એક અહેવાલ અનુસાર ભારત સરકારે સંસદમાં આપેલી માહિતી અનુસાર વર્ષ 2024માં વિદેશમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 13,35,878 છે. અને વર્ષ 2023માં આ સંખ્યા 13,18,955 હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અંદાજે 4 લાખ 27 હજાર ભારતીય વિદ્યાર્થીઓ હાલ કેનેડામાં અભ્યાસ કરવા ગયા છે. ગયા વર્ષે આ સંખ્યા સાડા ત્રણ લાખની આસપાસ હતી. કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં લગભગ 40 ટકા ભારતીયો છે.