– હત્યા કરનાર બંને શખ્સને સાથે રાખી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું
– કાળિયાબીડનાં યુવાનનું 50 હજાર રૂપરડીનાં મામલે 2 શખ્સે કાસળ કાઢી નાખ્યું હતું
ભાવનગર : ભાવનગરના કાળીયાબીડ જૂની સાગવાડી વિસ્તારમાં રહેતા યુવાનને વ્યાજે લીધેલા રૂપિયા ૫૦ હજારના મામલે બે શખ્સ રાત્રિના સમયે બાઈક પર બેસાડી લઈ જઈ કાળિયાબીડ પાસે આવેલ અવાવરૂ સ્થળે તીક્ષણ હથિયાર નાં ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ પ્રકરણમાં નિલમબાગ પોલીસે બે શખ્સની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા બાદ આજે બંને શખ્સને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું રી કન્સ્ટ્રક્શન દરમિયાન હત્યામાં વપરાયેલ હથિયાર પણ કબજે લેવામાં આવ્યું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બે દિવસ પૂર્વે ભાવનગરના કાળીયાબીડ, જૂની દરબારી સાગવાડી, પારિજાત સ્કૂલ વાળા ખાચામાં રહેતા રત્નકલાકાર પ્રદીપભાઈ ઉર્ફે ઘૂઘો ઝવેરભાઈ ડાભીને પૈસાની જરૂરિયાત ઊભી થતા તેમણે વિશાલ ભગાભાઈ ચોહલા પાસેથી રૂપિયા ૫૦ હજાર વ્યાજે લીધા હતા. વ્યાજે આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા વિશાલ અવાર નવાર પ્રદીપભાઈ પાસે આવતો હતો ત્યારે હાલમાં હીરા બજારમાં મંદી હોવાથી પ્રદીપભાઈએ હીરાના કારખાના ખુલે પછી બાકી રકમ ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું.ગત તા.૧૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રાત્રિના સમયે વિશાલ ભગાભાઈ ચોહલા અને નીરવ દિનેશભાઈ ગોહિલ પ્રદીપભાઈના ઘરે આવ્યા હતા અને બાકી રૂપિયાની ઉઘરાણી કરી તેમને મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયા હતા અને કાળીયાબીડ નજીક આવેલ બોરતળાવની ખુલ્લી અવાવરું જગ્યામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પ્રદીપભાઈની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. માત્ર ૫૦,૦૦૦ રૂપિયાની ઉઘરાણી માટે યુવાનનું છરીના ઘા ઝીંકી કાશળ કાઢી નાખ્યું હતું. નીલમબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને ઈસમોની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી. રૂપિયા ૫૦ હજારના મામલે યુવાનનું કાસળ કાઢી નાખનાર બંને ઈસમોને સાત દિવસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડમાં રહેલા બંને શખ્સને સાથે રાખી નીલમબાગ પોલીસે આજે ઘટનાનું રી કન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉપરાંત હત્યામાં વાપરવામાં આવેલ હથિયાર છરી પણ પોલીસે કબજે કરી હોવાનું નીલમબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી ઝાલાએ જણાવ્યું હતું.