- પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ઓચિતું ચેકિંગ કરતાં પોલ ખુલી
- ઘઉં, ચોખા, ચણા મળી 30 કટ્ટા, 142 પાઉચ સિંગતેલ મળી આવતાં સીઝ કરવામાં આવ્યો
- અનાજનો કાળો બજાર કરતાં વેપારીઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોરવા હડફ્ તાલુકાની સસ્તા અનાજની સરકારી દુકાનોમાં રવિવારે ઓચિતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન કસનપુર સરકારી અનાજનો પરવાનો ધરાવતાં દુકાનદાર સ્ટોક પત્રક કરતાં વધુ જથ્થો મળી આવતાં સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં તપાસ દરમિયાન દુકાનના બાજુમાં આવેલા મકાનમાંથી પણ અનઅધિકૃત રીતે રાખવામાં આવેલો ઘઉં, ચોખા, ચણા મળી કુલ 30 કટ્ટા 142 પાઉચ સીંગતેલ મળી આવતાં ઉક્ત જથ્થો પણ સીઝ કરી પરવાનેદાર સામે વધુ કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છેકે આ લખાઈ રહ્યું છે દરમિયાન પણ ડીએસઓની ટીમ દ્વારા મોરવા હડફ્ તાલુકાની અન્ય સસ્તા અનાજની દુકાનમાં ચેકીંગ કામગીરી જારી રાખવામાં આવી હતી. દિવાળીના તહેવારો દરમિયાન રેશનકાર્ડ ધારકને સરકાર દ્વારા ફાળવવામાં આવતો જથ્થો પૂરતાં પ્રમાણમાં મળી રહે એ માટે ઓચિતું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી અનાજનો કાળો બજાર કરતાં વેપારીઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.
આગામી દિવાળીના તહેવારો પૂર્વે સરકારની જોગવાઈ મુજબ રેશનકાર્ડ ધારકોને પૂરતાં પ્રમાણમાં સરકાર દ્વારા ફળવવામાં આવતો અનાજનો જથ્થો મળી રહે એ માટે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા જિલ્લાના અનેક વિસ્તારોમાં આવેલી સરકારી દુકાનમાં ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દરમિયાન રવિવારે ડીએસઓ એચ ટી મકવાણા અને ટીમ દ્વારા કસનપુર સહિતની સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.કસનપુની દુકાનમાં ચેકિંગ દરમિયાન સ્ટોક પત્રક કરતાં વધુ જથ્થો મળી આવ્યો જે સીઝ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાન નજીકમાં આવેલા મકાનમાં બિનઅધિકૃત રીતે સંગ્રહ કરવામાં આવેલો ઘઉં ચોખા તેલ અને ચણાનો પણ જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો પણ સીઝ કરી પરવાનેદાર સામે વધુ કાર્યવાહીના ચક્રો હાથ ધરવામાં આવ્યા છે. ડીએસઓની ટીમ દ્વારા મોરવા હડફ્ તાલુકામાં મોડી સાંજ સુધી અન્ય દુકાનોમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.