• જર્જરીત ટાંકીને હટાવવા યોગ્ય પગલાં લેવાઇ તે જરૂરી
• ટાંકીએ પાણીનું એકેય ટીપું ન જોયું તો લોકોના ઘરો સુધી પહોંચવાની વાત તો જોજનો દૂર રહી ગઈ
• અત્યંત બિસમાર ટાંકી કોઈ નિર્દોષનો ભોગ લે તે પહેલા તંત્ર આળસ ખંખેરીને ટાંકીને હટાવવા પગલાં ભરે તે જરૂરી
ડોલવણના કમલાપુરમાં વર્ષો પહેલા નિર્માણ થયેલી ટાંકી યોજનામાં ખુદ ટાંકી જ એક ટીપાં પાણી માટે તરસતી રહી અને હવે આવરદા પુર્ણ થતા જાણે કે પાણી તો નહીં મળ્યું પરંતુ ધરાશયી થવાનું મુહુર્ત શોધી રહી છે. રસ્તા ઉપર જ ડામાડોળ થતી ટાંકીની નજીકથી પસાર થતા પગપાળા રાહદારીઓ, વાહનચાલકો ફફડી રહ્યા છે. ત્યારે સરકારી નાણાંનો વેડફાટ કરનારી યોજના કોઇ નિર્દોષનો જીવ હણી લેનાર બને તે પહેલા તંત્ર હવે તો આળસ ખંખેરે તે જરૂરી છે.
ડોલવણ તાલુકામાં પાણીની સુવિધા માટે માત્ર દેખાડા પુરતી ઉભી કરવામાં આવેલી ટાંકી યોજનાનું સરવે કરવામાં આવે તો મોટાભાગના ગામોમાં બંધ અને જર્જરીત ટાંકીના નમૂના મળી આવે તેમ છે. ડોલવણના કમલાપુર ગામમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલી ટાંકી યોજનામાં સરકારી નાણાંનો વ્યય થવા સાથે ગ્રામજનો માટે મોતનું નવું દ્ધાર જર્જરીત ટાંકીએ ખુલ્લું કરતા રહીશોમાં રોષ વ્યાપ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા રસ્તાના કિનારે જ ટાંકીનું બાંધકામ કરવામાં આવ્યું હતું. અદ્યતન ટાંકી તથા પંપ હાઉસ સહિતની મોટાભાગની કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. લોકોની નજર ટગર-ટગર જોતી રહી કે કયારે ટાંકીના પાણી ઘર સુધી પહોંચે પરંતુ જે આશા ઉપર પાણી ફરી વળ્યા છે. માત્ર યોજનાના નામે પોતાનો સ્વાર્થ પોષવામાં માહિર એજન્સીએ બાંધકામ કરી ટાંકીને રેકોર્ડ ઉપર જ કાર્યરત કરી રફુચક્કર થઇ ચુકી હતી. ટાંકીનું બાંધકામ થયા બાદ ટાંકી પોતે જ જાણે કે પાણીના બુંદ માટે વર્ષો સુધી તરસતી રહી હતી. ટાંકીમાં પાણી જ ન પડયું તો લોકોના ઘરો સુધી કયાંથી પહોંચી શકે. ટાંકી યોજના બિનઉપયોગી જ જર્જરીત અવસ્થામાં ફેરવાઇ ચુકી છે, આવરદા વટાવી ચુકેલી ટાંકી હાલમાં સ્ટ્રકચર સાથે જમીનદોસ્ત થાય તો મોટું નુકશાન થવાની શકયતા છે. રોડની સાઇડ ઉપર આવેલી જર્જરીત ટાંકી વાવાઝોડા કે સામાન્ય પવનમાં ધ્વસ્ત્ થાય તેવી શકયતાને નકારી શકાય તેમ નથી. રસ્તા ઉપરથી કાયમી પગપાળા જતા રાહદારીઓ તેમજ વાહનચાલકોની અવરજવર રહે છે. ત્યારે સરકારી નાણાંનો વેડફાટ થવા છતાં જેના પ્રત્યે ધ્યાન ન આપનાર તંત્રએ હવે અંતિમ તબક્કામાં તો ઉંઘમાંથી બહાર આવવું જોઇએ. ટાંકી કોઇ દુર્ઘટનાને લલકારે તે પહેલા જર્જરીત ટાંકીને હટાવવા યોગ્ય પગલાં લેવાઇ તે જરૂરી છે.