- આંગણવાડીના મકાનની દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ
- આંગણવાડીનું નવું મકાન બનાવવા ગ્રામજનો દ્વારા રજૂઆતો કરાઈ
- તાલુકાના દનાદરામાં નવું મકાન બનાવવા ગ્રામજનોની માંગ
એક તરફ રાજ્ય સરકાર બાળકોને છ વર્ષપછી ધો.1માં પ્રવેશ આપવાનું ફરજીયાત કરી ત્યાં સુધી આંગણવાડીમાં ભણવાની હિમાયત કરી રહી છે. પરંતુ આંગણવાડીનું મકાન જર્જરીત હોવાથી વાલીઓ બાળકોને આંગણવાડીમાં બેસાડતા ખચકાઈ રહ્યા છે. કપડવંજ તાલુકાના દનાદરા ગામની આંગણવાડીનું મકાન જર્જરીત થયેલ હોય નવું મકાન બનાવવા ગ્રામજનોની માંગ છે.
કપડવંજ તાલુકના દનાદરા ગામે આવેલ આંગણવાડીનું મકાન ખૂબ જ જુનું હોય જર્જરીત થઈ ગયું છે. મકાનની દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ત્યારે આ આંગણવાડીમાં બેસતા બાળકોના માથે મોત ભમી રહ્યું હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનોએ આંગણવાડીનું મકાન બનાવવા વારંવાર અરજીઓ પણ કરી છે.પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. આઈસીડી તંત્ર એટલું બધુ નિષ્ક્રિય બની ચુક્યું છે કે નાના ભુલકાઓને પડી રહેલી હાલાકી પણ દેખાતી નથી. ગામેગામની આંગણવાડીમાં ક્યાંક મકાન જર્જરીત છે, તો ક્યાંક પાણી અને શૌચાલય નથી,તો ક્યાંક બારણા પણ તુટી ગયા છે, તો ક્યાંક ફર્શના પથરા પણ ઉખડી ગયા છે. દનાદરા ગામની આંગણવાડીમાં મકાન જર્જરિત હોઈ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પણ અહીં બેસતા ખચકાય છે. જેથી અહીનાં ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર બહેનોએ પણ આ મકાન નવું બને તે માટે અનુરોધ કર્યો છે.