- આગોતરું બાજરીનું વાવેતર કરનાર ખેડૂતોનો પાક તૈયાર
- પાછોતરા બાજરીના પાક ઉપર વરસાદની અસર થવાની ખેડૂતોમાં ભીતિ
- વાત્રકકાંઠા વિસ્તારમાં ઉનાળુ બાજરીની કાપણીનો શુભારંભ કરાયો છે
કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ અને વાત્રકકાંઠા વિસ્તારમાં ઉનાળુ બાજરીની કાપણીનો શુભારંભ કરાયો છે. આ અંગે વાત્રકકાંઠા વિસ્તારના અગ્રણી અપ્રુજી ગામના રાકેશસિંહ સોલંકીના જણાવ્યા મુજબ અખાત્રીજના પર્વ બાદ ધરતીપુત્રોમાં એક ઉત્સાહ જોવા મળે છે. આ પંથકમાં આગોતર કરાયેલ ઉનાળુ બાજરીની કાપણીની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને આ પંથકના ખેડૂતોના જણાવ્યાનુસાર રવી પાકમાં બટાકાના વાવેતર બાદ એ જ ખેતરમાં જ્યારે બાજરીની વાવણી કરવામાં આવે છે. ત્યારે સમય કરતા થોડા દિવસો અગાઉ બાજરીનો પાક કાપણી માટે તૈયાર થઈ જાય છે. જ્યારે ઘઉંના વાવેતર બાદ રોપાયેલા બાજરીનો પાક થોડા દિવસો બાદ એટલે કે ચોમાસાની શરૂઆતમાં પાકતો હોય છે. આમ જે ખેડૂતોએ આગોતરા બાજરીનું વાવેતર કર્યું હતું એ પાક હાલ કાપણી માટે તૈયાર થઈ જતા હવે કાપણીનો શુભારંભ ખેડૂતો કરી રહ્યા છે.