- આ વિસ્તાર ઔડામાં આવતો હોવાથી ઔડાની પણ મંજૂરીઓ લેવાઈ નથી
- નદીની વચ્ચે દિવાલ તૈયાર કરાવી ફાર્મ હાઉસ બનાવતા હતા
- ત્યાં સુધી બાંધકામ કરવાની મનાઈ ફરમાવી દીધી છે
મેશ્વો નદીના પટમાં કનીજ ગામની સીમ વિસ્તારમાં અમદાવાદના બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરાવતા એક સામાજિક કાર્યકરે મામલતદાર મહેમદાવાદને આ વાતથી અવગત કરાવતા મામલતદારે સ્થળ તપાસ કરી બાંધકામ ગેરકાયદે લાગતા તરત જ અટકાવીને જ્યાં સુધી પૂરતા પુરાવા અને મંજૂરીઓ ના મળે ત્યાં સુધી બાંધકામ કરવાની મનાઈ ફરમાવી દીધી છે.
મહેમદાવાદ તાલુકાના કનીજ ગામની સીમમાં આવેલ સર્વે નંબર 696 વાળી જગ્યા જે નદીના પટમાં આવેલ છે. તે જગ્યા કનીજના ખેડૂતોએ અમદાવાદના બિલ્ડરને વહેંચતા અમદાવાદના બિલ્ડર દ્વારા આ જગ્યાને બિનખેતી વાળી કરાવી ફર્મ હાઉસનું બાંધકામ કરવાની પેરવી કરતા હતા. જેથી નદીના વહેણની વચ્ચે કામ ના થાય માટે પટમાંથી પાણી ઓસરતા નદીની વચ્ચે દિવાલ તૈયાર કરાવી ફાર્મ હાઉસ બનાવતા હતા. પરંતુ બિલ્ડર પાસે પૂરતી મંજૂરીઓ નથી. અને આ વિસ્તાર ઔડામાં આવતો હોવાથી ઔડાની પણ મંજૂરીઓ ના લીધી હોઈ તે બાંધકામને ગેરકાયદે ગણી એક અરજદારે મામલતદારને આ બાંધકામ બાબતે જાણ કરતા મામલતદાર સંગ્રામસિંહ બારીયા એ સ્થળ તપાસ કરી હતી. તમામ કાગળો માંગતા કલેકટરની કે ઔડાની પરવાનગી નહીં હોવાથી બાંધકામ અટકાવી દીધું છે. જો કે બિલ્ડરે ત્યાંથી ચાલતી પકડી હતી.
હાલમાં બાંધકામ અટકાવાયું છે : મામલતદાર
મહેમદાવાદ મામલતદાર સંગ્રામ સિંહ બારીયાએ જણાવ્યું કે નદીના પટમાં ખૂબ જ અંદર સુધી બાંધકામ થયું છે જે બાબતે ખેડૂતે N.A ના હુકમ બતાવ્યા છે. નદીનું વહેણ બદલાયું હોવાનું જણાવ્યું છે પરંતુ હાલ જેટલું બાંધકામ થયું છે, તેનાથી વધુ બાંધકામ કરવાની મનાઈ કરી છે. જો હજી કલેકટરની તેમજ ઔડાની પરવાનગી મળે પછી જ બિલ્ડર બાંધકામ કરી શકશે