- કાસેઝમાં લાગી વિકરાળ આગ
- 3 ફાયર ફાઈટરોની ટીમે કરી કાર્યવાહી
- ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ
ગુજરાતનું સૌથી પ્રમુખ બંદર ગણાતા કંડલાના ઈકોનોમિક ઝોન વિસ્તારમાં એક અનહોની ઘટના બની છે. અહીં કાપડની ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેના પર ફાયર ફાઈટરોની 3 ટીમોએ ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો.
ગુજરાતના નિકાસ બંદર તરીકેની ખ્યાતિ ધરાવતું કચ્છનું કંડલા પોર્ટ એક દુર્ઘટનાનું શિકાર બન્યું હતું. હકીકતે કંડલાના ઈકોનોમિક ઝોન વિસ્તારમાં કાપડના કારખાનામાં અચાનક મોટી આગ લાગી હતી. આ આગ કયા કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી, પરંતુ અત્યાર સુધીની લેટેસ્ટ માહિતી પ્રમાણે કોઈની જાનહાનિના પણ સમાચાર નથી. મહત્વનું છે કે કાસેઝની અનિતા એક્સપોર્ટ નામની કાપડની ફેકટરીમાં અચાનક જ કોઈ કારણોસર આગ ભભૂકી ઊઠી હતી. જેણે ટૂંકા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાતા હતા. થોડીવાર માટે લોકોમાં દોડાદોડી મચી ગઈ હતી.
નોંધનીય છે કે આગ લાગવાની ઘટના પાછળ શું કારણ જવાબદાર છે તેની કોઈ પણ જાણકારી હજુ સુધી સામે આવી નથી. જો કે કાપડની ફેક્ટરીમાં આગ લાગવાના લીધે લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સદ્નસીબે હજુ સુધી આ આગમાં કોઈ પણ વ્યક્તિની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કાપડની ફેક્ટરી હોવાથી આગ કાપડમાં લાગતા તે વધુ ફેલાઈ હોઈ શકે તે સંભવ છે. જો કે જાણકારી મળતાં જ ફાયર ફાઈટરોની 3 ટીમ તુરંત ઘટનાસ્થળે આવી પહોંચી હતી.
ફાયર ફાઈટરોની ટીમે તુરંત જ કાર્યવાહી પ્રારંભી દીધી હતી. જેમાં તેમણે સૌથી પહેલા આગને કાબૂમાં લેવા માટે તેના પર પાણીનો મારો કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ભારે જહેમત બાદ હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જો કે આગ લાગવાના કારણની તપાસ પણ કરવામાં આવશે. જેના પછી જ વધુ જાણકારી સામે આવી શકે તેમ છે. મહત્વનું છે કે આગ જો આજુબાજુના કારખાના કે ફેક્ટરીમાં ફેલાય તો વધુ નુકસાન થવાની સંભાવના હતી, પરંતુ ફાયર ફાઈટરોની સતર્કતાના લીધે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.