- શિવરાજપુર નજીક કંસારાવાવના પાટીયા પાસે અકસ્માત
- બસ ચાલાક ને જોકું આવી જતાં અકસ્માત સર્જાયો
- એસ.ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેકટરમાં સવાર ચાર ને ગંભીર ઈજા
હાલોલના શિવરાજપુર નજીક કંસારાવાવ ના પાટીયા પાસે આજે વહેલી સવારે એસ.ટી બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રેકટરમાં સવાર ચાર ને ગંભીર ઈજાઓ પામતા તાત્કાલિક હાલોલ સરકારી દવાખાનામાં સારવાર અર્થે લાવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી એસ.ટી બસ નો ચાલાક ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટરનો ખુડદો બોલી ગયો હતો. બનાવને પગલે પોલીસે એસ.ટી બસના ચાલાક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હાલોલ તાલુકાના શિવરાજપુરના ઘોઘડવા ગામના શૈલેષભાઇ મડાભાઇ પરમાર આજે વહેલી સવારે ટ્રેક્ટર લઇ હાલોલ તરફ્ જતા હતા. દરમ્યાન પાછળ થી આવતી બોડેલી થી હાલોલ તરફ્ જતી એસટી બસના ચાલકે પૂર ઝડપે અને ગફ્લત ભરી હંકારી આગળ જતા ટ્રેક્ટરને ધડાકાભેર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોક તોડા ઉમટી પડયા હતા. અકસ્માતને લઇ ટ્રેક્ટરમાં સવાર શૈલેષભાઇ મડાભાઇ બારીયાને માથા તેમજ શરીરના ભાગે પ્રકાશભાઈ પ્રતાપભાઈ બારીયા ને કમર તેમજ શરીરના ભાગે અજય નાયક જમાના પગમાં તેમજ સવીનભાઈ માનભાઈ નાયકને ડાબા પગમાં અને કમરના ભાગે ઈજાઓ પામતા ચારેવ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં હાલોલની સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની સારવાર કરી દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું છે.
અકસ્માત સર્જાતા એસ.ટી બસ નો ચાલાક ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. જાણવા મળેલી માહિતી મુજબ વહેલી સવારે બસ ચાલાક ને જોકું આવી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે એસ.ટી બસના ચાલાક સામે ગુનો નોંધાયો છે.