Fake Cumin in Unjha: વરયાળી અને જીરુના હબ ગણાતા ઊંઝામાં મિલાવટખોરો બેફામ બન્યા છે. નફો રળી લેવાની લ્હાયમાં વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના ઊંઝા પંથકમાં છેલ્લા છ મહિનામાં સાત જેટલી ફેક્ટરીમાંથી લેવાયેલા વરિયાળી-જીરુના સેમ્પલ ફેઈલ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લામાં આ પ્રકારની ભેળશેળની હાટડીઓ ઠેર ઠેર ધમધમી રહી છે. ત્યારે જિલ્લાના ફૂડ વિભાગ કેટલીક ફેક્ટરી પર દરોડા પાડી તેને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. આવા વેપારીઓ સામે કેસ કરાયા છે, પરંતુ તેમને કડક સજા મળે તો જ ભેળશેળીયાઓ પર સકંજો કસાશે એ હકિકત છે.
ઊંઝામાં મિલાવટખોરો બન્યા છે બેફામ
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રામપુર ખાતે વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ફેક્ટરી ચાલતી હતી. બાતમીના આધારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા ફેક્ટરી પર દરોડા પાડી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટમાં નકલી જીરૂ અનસેફ હોવાનો ખુલાસો થયો છે. જેના પગલે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ત્રણ ફેક્ટરી સંચાલકો સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય પાંચ ફેક્ટરી માલિકો સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ફેક્ટરી અને ગોડાઉન માલિકો સામે કાર્યવાહી
ઊંઝા તાલુકાના સુણોક ગામે સુજીત પટેલની કેક્ટરીમાં 17/05/2023ના રોજ મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. જ્યાં ગોળની રસી સહિતની વસ્તુઓમાંથી નકલી જીરૂ બનાવતું હોવાનું સામે આવ્યું હતું અને બનાવટી જીરૂ, મીક્ષ પાવડર અને ગોળની રસીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેને લેબોરેટરીમાં ચકાસણી કરાયા બાદ તે અનસેફ જાહેર થયા છે. જેથી ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરી માલીક સુજીત પટેલ સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે જુદાજુદા ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યાં છે.
બીજી તરફ ઊંઝાના ગંગાપુરા રોડ પર આવેલા ધર્મેશ પટેલના ગોડાઉનમાં 11/12/ 2023ના રોજ મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડીને ડુપ્લીકેટ જીરૂના 89 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો. જેમાંથી લેવામાં આવેલા નકલી જીરૂ, મીક્ષ પાવડર અને ગોળની રસીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા હતા. જેના પરિણામ અનસેફ જાહેર થયા છે. જેથી ગોડાઉનના માલિક ધર્મેશ પટેલ સામે ઊંઝા કોર્ટમાં બે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યાં છે.
બીજી તરફ ઊંઝામાં મહેશ પટેલના ઊમા અન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં તા 16/10/2024 ના રોજ ફૂડ વિભાગની ટીમે દરોડા પાડીને બનાવટી જીરૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે ગોડાઉનમાંથી લુઝ વરિયાળી, લીલો કલરના સેમ્પલની ચકાસણીમાં નોન પરમીટેડ યલો કલર પણ મળ્યો હતો. જે તમામનો લેબોરેટરી રિપોર્ટ ફેઈલ આવ્યો હતો. જ્યારે એ જ દિવસે ઊંઝાના ભાર્ગવ પટેલની ફેક્ટરીમાં દરોડો પાડીને ફૂડ વિભાગે ડુપ્લીકેટ જીરૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે 04/04/2024ના મસ્તુપુર ગામે આવેલા દિવ્યેશ શ્રીમાળીના ગોડાઉનમાંથી દરોડા દરમિયાન લેવામાં આવેલાં જીરૂ, વ્હાઈટ પાવડર અને ગોળની રસીના સેમ્પલ પણ અનસેફ જાહેર થયા હતા.
નકલી જીરૂના કેસમાં પાંચ સંચાલકો કાર્યવાહી
હર્ષદ પટેલના ગોડાઉનમાં ફૂડ વિભાગે દરોડા પાડતા વરિયાળીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની લેબોરેટરીની તપાસમાં નમૂનામાં નોન પરમીટેડ યલોકલર જણાતાં તેને અનસેફ જાહેર કરાયા હતા. જ્યારે પ્રકાશકુમાર શીવરામના ગોદામમાંથી લીધેલા જીરૂના સેમ્પલ પણ લેબોરેટરીમાં ફેલ જાહેર થયા હતા. આ પાંચ ફેક્ટરી- ગોદામ માલીકો સામે મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કેમ છટકી જાય છે મિલાવટખોરો?
મહત્ત્વનું છે કે આવા મિલાવટખોરો અને લોકોના જીવને જોખમમાં મુકતા વેપારીઓ સમયાંતરે પકડાય છે. પરંતુ કેટલીક વખત યોગ્ય અને કાર્યવાહીના અભાવે કે પછી તેમની સામે યોગ્ય કલમ હેઠળ ગુનો ન નોંધાયો હોવાથી છૂટી જાય છે, કે પછી દંડ ભરી આઝાદ થઈ જાય છે. ત્યાર બાદ ફરી પાછા પોતાનો એજ ગોરખધંધા શરૂ કરી દેતા હોય છે. ત્યારે આવા લોકો સામે ફરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તેવી કાર્યવાહી થાય તે જરૂરી છે.