- પાલિકાએ પકડેલા 200 ઢોરને વિપક્ષે છોડી મૂક્યાનો આક્ષેપ
- રાત્રે વરંડાનો ઝોપો તોડી રખડતાં ઢોર છોડી દીધા હોવાનો આક્ષેપ કર્યો
- શહેરમાંથી 300 કરતા પણ વધારે વધુ ઢોર પકડી ડબામાં પુરવામાં આવ્યા
ઊંઝા શહેરમાં રખડતાં ઢોરના મુદ્દે ઊંઝા નગરપાલિકાના શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર શરૂ થયો છે. વિપક્ષ દ્રારા રખડતાં ઢોરને લઈ પાલિકા પ્રમુખ સહિત સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જયારે બીજી તરફ્ ઊંઝા નગરપાલિકાના સત્તાધીશો દ્રારા વિપક્ષના આક્ષેપ સામે કહેલ છે કે, 200 જેટલા રખડતાં ઢોરને વરંડામાં પુરવામાં આવ્યા હતા. પરંતુ વિપક્ષે રાત્રે વરંડાનો ઝોપો તોડી નાખી ઢોર છોડી મુક્યા છે.
ઊંઝા નગરપાલિકાના વિપક્ષ દ્રારા આક્ષેપ કરાયો છે કે, ભાજપ શાસિત ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રિન્કુબેન પટેલ સહિત તંત્ર ઢોર નિયંત્રણ કાયદાનો ભંગ કરી રહ્યા છે. ઊંઝા નગરમાં ઠેરઠેર રખડતાં ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. જેના કારણે દરેક જગ્યાએ ગંદકી અને અકસ્માત થકી નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જેથી વિપક્ષના સભ્યો રજુઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો કોઈ પગલાં ભરતા નથી. જેથી આ બહેરા મુંગા તંત્રને જગાડવા અહિંસક આંદોલન કરવાની ચીમકી આપી છે.
બીજી તરફ્ આક્ષેપ સામે ઊંઝા નગરપાલિકા દ્વારા કરેલ કામગીરીમાં જણાવ્યું છે કે, ઊંઝા નગરપાલિકા પ્રમુખ દ્રારા શહેરમાંથી 300 કરતા પણ વધારે વધુ ઢોર પકડી ડબામાં પુરવામાં આવ્યા છે. જેમાંથી 65 જેટલા ઢોર પાંજરાપોળમાં આપેલ હતા. પરંતુ કોણ જાણે કેમ પાંજરાપોળ દ્રારા વિપક્ષના કહેવાથી રખડતાં ઢોર લેવાની ના પાડી દીધી હતી. તેમજ ફુલબાઈ માતાજીના મંદિર પાસેના વરંડામાં 200 જેટલા ઢોર પુરવામાં આવ્યા હતા. પરંતુ વિપક્ષે રાત્રે વરંડાનો ઝોપો તોડી રખડતાં ઢોર છોડી દીધા તેવો આક્ષેપ કરાયો છે.