ભરૂચ: અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે. તો કેમિકલ-ફાર્મ-ડાઇસના ઉદ્યોગમાં વપરાતા બરફની માંગમાં મંદી અને આયાત-નિકાસ પર યુદ્ધના કારણે સર્જાયેલા અસરથી ઘટાડો થયો છે.
ઔદ્યોગિક નગરીમાં ગરમીનો પારો વધ્યો
અંકલેશ્વર ખાતેની આઇસ ફેકટરીમાં 6થી 7 લોકોને રોજગારી આપવામાં આવી રહી છે. અહીં એક દિવસમાં બરફની 250થી 300 પ્લેટ તૈયાર થાય છે. કેમિકલ હબ તરીકે એશિયામાં નામના પામેલ અંકલેશ્વર ઔદ્યોગિક નગરીમાં ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. મહત્તમ 38-40 ડિગ્રી સુધી પહોંચતા તાપમાનના પારા વચ્ચે લોકો ઠંડક મેળવવા સતત પ્રયાસ કરતા હોય છે.
ઘરની બહાર કામકાજ અર્થે નીકળતા લોકો ઠંડા-પીણા સહિત રસ, સોડા, સિકંજીનું સેવન કરતા હોય છે. ત્યારે ઠંડા પીણાને ઠંડુ રાખવા માટે જેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે, તો બરફની માંગમાં વધતી ગરમી વચ્ચે અંકલેશ્વરમાં વધારો નોંધાઇ રહ્યો છે. જોકે GIDC, પીગમેન્ટ સહિતના ઉદ્યોગોમાં મંદી જોવા મળી રહી છે.
ઉધોગપતિના જણાવ્યા પ્રમાણે વધતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો
અંકલેશ્વરમાં બરફના વ્યવસાય સાથે સંકળાયેલા ઉધોગપતિ સમદભાઇ ખેરાણીના જણાવ્યા પ્રમાણે અંકલેશ્વરમાં વધતી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે. એશિયન આઈસ ફેકટરીમાં બરફ બનાવવામાં 55થી 60 કલાકનો સમય લાગે છે. તો કંપનીનું રોજનું ઉત્પાદન અંદાજિત 30 થી 35 ટન છે. બરફ બનાવવામાં કુલ 3 હજાર લિટર પાણીનો વપરાશ થાય છે. 1 કેનમાં 100 લિટર પાણી વપરાય છે. કેનાલ મેન્ટેનન્સ માટે 90 દિવસનું શટડાઉન હોય છે, ત્યારે ટેનકર મંગાવવા પડે છે.
આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત-નિકાસ ઉપર તેની અસર
વાત જાણે એમ છે કે, અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફના ઉદ્યોગો મોટાભાગે કેમિકલ, ઇન્ટરમીડીયેટ, ફાર્મા અને ડાઇઝ કંપનીને બરફ સપ્લાય કરતા હોય છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી રશિયા યુક્રેન સહિત આંતરરાષ્ટ્રીય યુદ્ધના કારણે આયાત-નિકાસ ઉપર ફરક પડતા કેમિકલ અને ડાઇસના ઉદ્યોગો પર તેની અસર થઈ છે, જેના પરિણામે કેમિકલ અને ડાઇસ ઉત્પાદન પર અસર પડતા બરફ ઉધોગમાં પર તેની અસર વર્તાઈ રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર