- દરેક ટ્રેનની સ્પીડ 130 પ્રતિકલાક થઈ જતા ફાટક ચાલુ રાખવું જોખમી
- ગ્રામજનોએ એકત્ર થઈ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો
- આગેવાનો તથા લોકો ભેગા મળી આવેદન પત્ર આપવાનું વિચારાધીન છે
ઉદવાડા રેલવે સ્ટેશન નજીકનો ફાટક લોકોની અવર-જવર માટે રેલવે દ્વારા બંધ કરી દેવાતા સ્થાનિક લોકોએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.
ઉદવાડા રેલવે ફાટક લોકોના અવર-જવર માટે બંધ કર્યા બાદ લોકોની અવર-જવર ચાલુ રહેતા રેલવે વિભાગ દ્વારા ફાટક સંપૂર્ણ પણે અવરજવર માટે બંધ કરવા લોખંડની એંગ્લને વેલ્ડીંગ કરી દેવામાં આવી હતી. જેને લઈ બુધવારે સરપંચ સંઘના પ્રમુખ ધર્મેશભાઈ સાથે રેંટલાવ ગ્રામ પંચાયતના ઉપ-પ્રમુખ અહમદભાઈ ખોજા, જિલ્લા પંચાયત સદસ્ય, આશાબેન પટેલ (પલસાણા), સરપંચ રાધિકાબેન, વેપારી મંડળનાં ભોપાભાઈ, ઓરવાડ ગામના ઉપ-સરપંચ ગીરીશભાઈ વિગેરેની સાથે ગ્રામજનોએ એકત્ર થઈ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.
બાદમાં ઉદવાડા ગામના અને ખડકી, કિકરલા, ઓરવાડ ગામના લોકો, વેપારીઓ તથા સરપંચોએ ફાટક નજીક ભેગા મળી અમારી માંગણી પૂરી કરો જેવા સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. મોટી સંખ્યામાં લોકો ઉદવાડા રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યા આગેવાનો એરિયા મેનેજર ત્યાગીને મળી જ્યાં સુધી અહીના સ્થાનિક લોકોને અવર-જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ફાટક અવર જવર માટે ચાલુ રાખવા રજૂઆત કરી હતી. આ સમયે અધિકારી ત્યાગીએ દરેક ટ્રેનની સ્પીડ 130 પ્રતિકલાક કરવામાં આવી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હોય, ફાટક બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતુ.
સાથે જ રેલવે બ્રિજનું કામ ચાલુ હોવાથી ફાટક પાસે જગ્યા ઓછી હોવાને કારણે જાનહાની થઈ શકે એમ છે તેમ કહી તેમણે દાદરનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી હતી. હવે રેલવે ફાટકથી અવર-જવર ચાલુ રાખવા ઉદવાડા ગામ તેમજ આસપાસના ગામના સરપંચો, આગેવાનો તથા લોકો ભેગા મળી આવેદન પત્ર આપવાનું વિચારાધીન છે.