- 31 હજાર ટન જેટલી શેરડી ખેડૂતો દ્વારા વ્યારા સુગરમાં આપવામાં આવી
- શેરડીના પૂરેપૂરા નાણાં મળે તે માટેની માંગ કરવામાં આવી
- નાણાકીય અહેવાલ માટે 6 મહિનાનો સમય માંગ્યો
એક સમયે આદિવાસી વિસ્તારની જીવાદોરી ગણાતી અને હજારો ઘરોમાં મીઠાશ ફેલાવતી વ્યારા સુગર ફેકટરી ફરી વિવાદોમાં આવી છે. ખુબજ શ્રમ કરી પરસેવો વહેવડાવી પોતાનો શેરડીનો પાક વ્યારા સુગર ફેક્ટરીને આપતા ખેડૂતોના નાણા ચાઉં કરી જતા સંચાલકો દ્વારા 31 હજાર ટન શેરડી અન્ય જગ્યાએ વેચી રોકડી કરી લેવાયું હોવાનો ગંભીર આક્ષેપ થતા તાપી જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.
31 હજાર ટન જેટલી શેરડી ખેડૂતો દ્વારા વ્યારા સુગરમાં આપવામાં આવી
તાપી જિલ્લામાં આવેલ એક માત્ર વ્યારા સુગર ફેકટરી છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલત હતી. જેને કાર્યરત કરવા માટે ફરી તાપી જિલ્લાના ખેડૂતો અને આગેવાનો દ્વારા વ્યારા સુગરમાં શેરડી આપવામાં આવી હતી. લગભગ 31 હજાર ટન જેટલી શેરડી ખેડૂતો દ્વારા વ્યારા સુગરમાં આપવામાં આવી હતી અને આપેલ શેરડીને વ્યારા સુગર ફેકટરીનાં સંચાલકો દ્વારા દક્ષિણ ગુજરાતની અલગ અલગ સુગર ફેકટરીમાં પિલવામાં આવી હતી.
શેરડીના પૂરેપૂરા નાણાં મળે તે માટેની માંગ કરવામાં આવી
પરંતુ સંચાલકો દ્વારા ખેડૂતોને આપેલ શેરડીના ટનના 2000 રૂપિયાના ભાવ પાડી એક હપ્તો માત્ર 400 ટન પ્રમાણે આપી બાકીના રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા નહી. શેરડીના નાણાં હજુ સુધી પરત નહિ મળતાં ખેડૂતો દ્વારા સુગરનાં મેનેજિંગ ડિરેક્ટરને મળતાં તેમણે ખેડૂતોને યોગ્ય પ્રતિઉત્તર નહિ મળતાં ખેડૂતોને પોતાના દ્વારા આપવામાં આવેલ શેરડીના પૈસામાં સંચાલકો દ્વારા કૌભાંડ આચરવા આવ્યુ હોવાનો ગંભીર આક્ષેપ કરતા આજે ખેડૂતો અને આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદ યોજી સંચાલકો વિરૂદ્ધ યોગ્ય તપાસ કરવામાં આવે અને ખેડૂતોને તેમની શેરડીના પૂરેપૂરા નાણાં મળે તે માટેની માંગ કરવામાં આવી હતી.
નાણાકીય અહેવાલ માટે 6 મહિનાનો સમય માંગ્યો
ત્યારે બીજી તરફ વારંવાર સુગર ફેક્ટરીને ફરી ધમધમતી કરવા સરકાર દ્વારા આપવામાં આવતી સહાય ફેક્ટરી ચાલુ કરવાને બદલે નાણાં અન્ય જગ્યાએ વાપરી સહાયના રૂપિયાનો ગેરવહીવટ કરાઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. ત્યારે આ સહકારી મંડળી દ્વારા હાલના વર્ષનો નાણાકીય અહેવાલ માટે 6 મહિનાનો સમય માંગી સહાયના રૂપિયા સરકાર પાસે તુરંત લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનો આક્ષેપ પણ કરાયો છે.