Anand Navratri 2024 : હવે ધીમે ધીમે શેરી-ગરબાનું ચલણ ઘટતું જાય છે અને ઠેર-ઠેર પાર્ટી પ્લોટોમાં મોટા મોટા આયોજકો દ્વારા પ્લાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. આવા પાર્ટી પ્લોટમાં પાસની કિંમત પણ ખૂબ ઉંચી વસૂલવામાં આવે છે તેમછતાં પણ સુવિધાના અભાવે ખેલૈયા અને દર્શકોના જીવનું જોખમ રહે છે. આવી જ એક ઘટના આણંદથી સામે આવી છે જેમાં શહેરના હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડનો મુખ્ય એન્ટ્રી ગેટ ધરાશાયી થતાં અફરાતફરી મચી જવા પામી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી.
નવરાત્રિના સાતમા નોરતે આણંદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેના રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના લીધે આણંદના જાણિતા હાર્ટ કિલર ગરબા ગ્રાઉન્ડમાં બનાવેલો મુખ્ય એન્ટ્રી ગેટ એકાએક ધડામ દઇને ધરાશાયી થઇ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જેથી આયોજકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અચાનક મુખ્ય ગેટ ધરાશાયી જતાં ખેલૈયા અને દર્શકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ચાલુ ગરબામાં બબાલ! બે રાઉન્ડ ફાયરિંગ, કાયદો વ્યવસ્થાની મજાક બની
આણંદ આ જાણિતા ગરબામાં મોંઘા ભાવે પાસ ખરીદીને મોટી સંખ્યામાં લોકો ગરબે રમવા આવતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટના સર્જાતા આયોજકોની બેદરકારી સામે આવી છે. ખેલૈયા અને દર્શકોની સુરક્ષાની જવાબદારી આયોજકો હોય છે, કેટલાક આયોજકો સુરક્ષાના નિયમોને નેવે મૂકી આડેઘડ આયોજનો કરતા હોય છે. ત્યારે તંત્રની જવાબદારી બને છે આવા આયોજકો સામે કડક પગલાં ભરે અને ઉદાહરણરૂપ દાખલો બેસાડવામાં આવે.