Demolition In Anand: આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. મામલો ઉગ્ર બનતા સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે વળતો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
પોલીસે લાઠીચાર્જ કરીને પથ્થરમારો કરતા લોકોને ભગાડ્યા
બોરસદ ચોકડી નજીક કૈલાસભૂમિ પાસે આવેલા 50 વર્ષ જૂના દબાણો દૂર કરવા માટે પાલિકા દ્વારા અગાઉ નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ પથ્થરમારો કર્યો હતો. મંદિર તોડવાની શરૂઆત થતા જ લોકો ઉશ્કેરાયા હતા અને દબાણ હટાવવાની કામગીરી કરનાર તંત્ર પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરીને પથ્થરમારો કરતા લોકોને ભગાડ્યા હતા.
મહિલાઓ દ્વારા વિરોધ કરાયો
આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે કૈલાસભૂમિ નજીક શુક્રવારે (13મી ડિસેમ્બર) પાલિકા દ્વારા દબાણ કરનારા ઝુપડપટ્ટીઓના 371 કાચા-પાકા મકાનોના વીજ અને પાણીના જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરાયો હતો. પરંતુ પાલિકાની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. પાલિકા દ્વારા આજે આ તમામ દબાણો ઉપર બૂલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે.
બૂલડોઝરથી દબાણો દૂર કરી જમીન સમતોલ કરાશે
આણંદ પાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરેવાલે જણાવ્યું જણાવ્યું હતુ કે, પાલિકા દ્વારા તમામ ગેરકાયદે ઝુપડપટ્ટીઓના વીજ અને પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે. શનિવારે પાલિકાની ટીમ જેસીબી અને બૂલડોઝર દ્વારા તમામ દબાણો દૂર કરી જમીન સમતોલ કરી દેશે.’