- નલસે જલ યોજના હેઠળ શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળશે
- વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની દિશામાં પ્રયાસો શરૂ થયા છે
- મહિનદીમાંથી બારોબાર પાણીનો સપ્લાય મેળવીને તેની ઉપર યાંત્રિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી
આણંદ શહેરમાં ઉમા ભવન પાછળ નગરપાલિકાના પ્લોટમાં નલસે જલ યોજના હેઠળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની દિશામાં પ્રયાસો શરૂ થયા છે. 129 કરોડના ખર્ચે મહિસાગરનુ પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સરફેસ વોટર ટ્રીટ કરીને શુદ્ધ ચોખ્ખુ પાણી શહેરીજનોને પુરૂ પાડવાની કવાયત હાથ ધરાઇ છે. જેને પગલે શહેરીજનોને આવનાર સમયમાં પાણીની સુવિદ્યા વર્તાઇ રહેશે. આણંદ શહેરના ફાયનલ પ્લોટ નં. 105માં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે નગરપાલિકા અને અવકુડા દ્વારા દરખાસ્ત તૈયાર કરાઇ રહી છે. જેમાં મહિસાગર નદીના પાણીનુ શુદ્ધિકરણ કરી સ્વચ્છ જળ પુરવઠો શહેરીજનોને પુરો પાડવાની દિશામાં કામગીરી હાથ ધરાઇ છે. જેમા નલ સે જલ યોજના હેઠળ 129 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્લાન્ટમાં મહિનદીમાંથી બારોબાર પાણીનો સપ્લાય મેળવીને તેની ઉપર યાંત્રિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી, કલોરીનેશન કર્યા બાદ નળ કનેકશન દ્વારા જુદા-જુદા વિસ્તારોમા પાણી પહોંચતુ કરાશે. જોકે હાલમાં કેટલાક ઉંચાઇવાળા વિસ્તારો તેમજ વોટર વર્કસ ટાંકીથી દુરના સ્થળોએ ઓછા ફોર્સથી પાણી મળતુ હોઇ મહિસાગર આધારિત યોજનાથી શહેરીજનોને પુરતી માત્રા અને જરૂરિયાતના પ્રમાણમાં શુદ્ધ પાણીનો જથ્થો ઉપલબ્ધ બની રહેશે. પરિણામે ઉનાળુઋતુ દરમ્યાન શહેરના કેટલાક વિસ્તારોમા મર્યાદિત જળસ્ત્રોતને પગલે સર્જાતી પાણીની અછતને પણ નિવારી શકાશે. શહેરીજનોને નજીકના સમયમાં જ મહિસાગર નદીનુ શુદ્ધિકરણ કરાયેલુ પાણી મળતુ થાય તે દિશામાં તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરાઇ છે.