કપડા સીવડાવવા, નોકરીએ જવાનું કહી ઘરે પરત ન ફરી
ચિખોદરા ચોકડી નજીક, ઉમરેઠના પણસોરા અને હાડગુડ ગામમાંથી યુવતીઓ લાપતા થઈ
આણંદ: આણંદ નજીકની ચિખોદરા ચોકડી તથા હાડગુડ અને ઉમરેઠ તાલુકાના પણસોરા ગામની ત્રણ અલગ અલગ યુવતીઓ રહસ્યમય રીતે લાપતા થઈ હોવાના ત્રણ અલગ અલગ બનાવ અનુક્રમે આણંદ ગ્રામ્ય, વિદ્યાનગર અને ભાલેજ પોલીસ દફતરે નોંધાયા છે.
આણંદ પાસેની ચિખોદરા ચોકડી નજીકના રામદેવ નગર ખાતે રહેતા ૩૩ વર્ષીય શિલ્પાબેન મુકેશભાઈ મોહનિયા ગત તા.૧૯મી નવેમ્બરે ઘરેથી કપડા સીવડાવવાનું કહી ક્યાંક ચાલી જઈ લાપતા થયા હતાં. શોધખોળ બાદ પણ પતો ન લાગતા આખરે કેસભાઈ મોહનિયાએ આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ નોંધી હતી.
બીજા બનાવમાં આણંદ ભાગીના હાડગુડ ગામે રહેતા આશિક હુસેન બદરૂદ્દીન સૈયદની દીકરી સીફાબાનુ (ઉં. વ.૨૨) ગત તા. ૧૯મીએ કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપતા થઈ હતી. જે અંગે આશિક હુસૈન સૈયદે વિદ્યાનગર પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરાવી છે.
ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે ખ્રિસ્તી ફળિયામાં રહેતા કાંતિભાઈ ખુશાલભાઈ ખ્રિસ્તીની દીકરી સોફિયાબેન (ઉ. વ.૧૯) ગત તા. ૧૬મીએ ઘરેથી પણસોરા ચોકડી નજીક આવેલી હોસ્પિટલમાં નોકરી પર જાઉ છું તેમ કહી નીકળ્યા બાદ પરત ન ફરી ગુમ થઈ હતી. આ અંગે ભાલેજ પોલીસ મથકમાં જાણ કરાઈ છે.