જૂનાગઢ: ગીર પંથક અને જૂનાગઢનો વંથલી, માળીયા સહિતનો વિસ્તાર કેસર કેરી માટે પ્રખ્યાત છે. જૂનાગઢ શહેરમાં પણ હવે અમુક જગ્યાએ બગીચા બનવા લાગ્યા છે. ત્યારે આંબાના પાકમાં વાવેતર માટે સરકાર દ્વારા પણ અમુક વખતે અમુક ચોક્કસ મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આવો જાણીએ આ સહાય કઈ રીતે મળે છે અને કઈ રીતે પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
આંબાના વાવેતર માટે કેવી રીતે મળશે સહાય?
જો કોઈપણ ખેડૂત આંબા પાકમાં ઘનિષ્ઠ પદ્ધતિથી વાવેતર માટે સહાય મેળવવા ઈચ્છે છે, તો તેને કલમ દીઠ ₹100 અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછું હોય તે ધ્યાનમાં રાખી મહત્તમ એક હેક્ટરના ₹40,000 તેમજ પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકોને આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચના 50% લેખે મહત્તમ 10,000 રૂપિયા પ્રતિ હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તે સહાય ખેડૂતોને મળવાપાત્ર રહે છે. આ યોજનામાં ખેડૂતોને ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય મેળવવા માટે જે ખેડૂતે i-khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને તેની પ્રિન્ટ લઈને જરૂરી કાગળ અને દસ્તાવેજ સાથે રાખી જિલ્લાની નાયબ બાગાયત નિયામક કચેરી ખાતે મોકલી આપવાના રહે છે.
આંબાના પાકની ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ
આંબાના પાકના વાવેતર સમયે તેના બે છોડ વચ્ચે ચોક્કસ જગ્યા રાખવી જોઈએ. તેનું વાવેતર અંતર 5m × 5m અથવા 4m × 6m અથવા 3m × 6m કરવું જોઈએ. જેમાં એક હેક્ટરે રોપાની સંખ્યા રાખવા માટે પણ અમુક ચોક્કસ નિયમ છે. જે અંતર્ગત જો વાવેતર 5×5 કરવામાં આવ્યું હોય તો 400 રોપા, જો વાવેતર 4m × 6m કર્યું હોય તો 416 રોપા અને જો વાવેતર 3m × 6m કર્યું હોય તો 555 રોપાનું વાવેતર કરવું જોઈએ.
આ પણ વાંચો:
જમીન તથા માનવ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે પેસ્ટિસાઈડ્સ, જાણો તેના ગેરલાભ
ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ થતા ફાયદા
બે થી ત્રણ ગણું ઉત્પાદન વધારી ખેતીને વધુ ફાયદાકારક બનાવી શકાય છે, વાવેતર કર્યા બાદ વહેલું ઉત્પાદન મેળવી શકાય છે, ફળ ફૂલને નિયંત્રણ કરી અને દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય છે, ઝાડ નાના હોવાથી ફળ ઓછા સમયમાં અને સારી રીતે ઉતારી શકાય છે, ઝાડ નાના હોવાથી રોગ અને જીવાતનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે, જમીન ખાતર દવા પાણી અને સૂર્યપ્રકાશનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે, ફળ ઉપર પેપરબેગ સહેલાઈથી લગાવ્યું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફળ મેળવી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર