અમદાવાદ: મહાનગરપાલિકા દ્વારા બજેટ રિવ્યુ બેઠકમાં વર્ષ 2024-25ના વાર્ષિક બજેટમાં 6688 કરોડ શહેરના ડેવલપમેન્ટ માટે મુકાયા હતા જેમાંથી મનપા 2863 કરોડના કામ કરી શક્યું અને બાકીના કામો હજુ ખોરંભે છે. તો બીજી તરફ વિપક્ષ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા દર વર્ષે શહેરના વિકાસ માટે વાર્ષિક બજેટ મૂકતું હોય છે ત્યારે ગત વર્ષના વાર્ષિક બજેટના રિવ્યુ માટે મનપામાં બેઠક યોજાઈ. બેઠકમાં બાકી રહી ગયેલા કામો અને આવનાર બજેટમાં નાગરિકો માટે ક્યાં સુવિધાના કામો કરવા તે અંગે ચર્ચા થઈ. ગત વર્ષનું અમદાવાદ મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ રૂ. 12262 કરોડનું હતું. શહેરના વિકાસના કામો માટે મનપા દ્વારા 6688 કરોડ મુકાયા હતા જોકે મનપા રૂ. 2863 કરોડનો ખર્ચ અત્યાર સુધીના વિકાસના કામોમાં કરી ચૂક્યું છે.
આ પણ વાંચો:
તમારી બાળકીને પણ ગુડ ટચ બેડ ટચની જાણકારી આપજો, આવા હવસખોરો ઉંમર નથી જોતા, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો
કમિશનરના બજેટ બાદ સ્ટેન્ડિંગ કમિટીના સુધારાના કામોમાં 65 કામો સુધારા સાથે લેવામાં આવ્યા હતા જેમાં ટેક્સના 12 કામો પૂર્ણ થયા તો 46 કામો પ્રગતિમાં છે જે એક બે વર્ષમાં પૂર્ણ થશે. લોટસ પાર્ક, અર્બન હાઉસ જેવા પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થશે. બજેટના 7 કામો હજુ મનપા નથી કરી શકી જેમાં MRI મશીન, ગૌશાળા, વાઇફાઇનું કામ, AI બેઝ ટેકનોલોજીના કામો બાકી છે.
આગામી દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટના કેટલાક કામ કાગળ પર હોવાનો આક્ષેપ થયો છે. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2019-20થી 2020-23 સુધીના મંજુર થયેલ રૂ. 34594 કરોડના બજેટમાંથી રૂ. 7266 કરોડની રકમ સત્તાપક્ષ વાપરી શક્યું નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષે શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે ત્યારબાદ વર્ષાંતે તે બજેટ રિવાઇઝડ કરવામાં આવે છે. આ કડવી અને નરી વાસ્તવિકતા છે ત્યારે સને 2022, 2023-24ના વર્ષનું બજેટ રિવાઇઝડ પણ થઈ ગયેલ છે. બાકી રહી ગયેલ બજેટના કામોમાં સિટી એન્ટ્રી ગેટ બ્યુટીફિકેશન, દરેક વોર્ડ દીઠ બે વ્હાઇટ ટોપિંગ રોડ, ઝોન દીઠ મહિલા માટે યોગા કમ મેડીટેશન સેન્ટર, 40 સ્માર્ટ પાર્કિંગ, લોજિસ્ટિક પાર્ક, વી.એસ. હોસ્પિટલ રિનોવેશન, એલિસબ્રિજ રિનોવેશન જેવા વિવિધ કામ બાકી છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાએ જનતા પાસે બજેટ પહેલા રિવ્યુ માગ્યા હતા જેમાં નાગરિકોએ 2951 સૂચનો મેઈલ મારફતે કર્યા છે. જેમાં 70% સૂચનો નળ, ગટર અને રસ્તા માટે થયા છે તો મનપા પોતાની સર્વિસમાં પણ સુધારો કરે તેવા સૂચનો નાગરિકોએ કર્યા છે. આ વર્ષે ગત વર્ષે ન થયેલા કામોનો વાયદો મનપા ક્યારે પૂરો કરે છે તે જોવાનું રહ્યું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર