બનાસકાંઠા: અરવલ્લીની ગિરિમાળામાં બિરાજમાન મા અંબાના ધામ અંબાજીમાં દર વર્ષે મહાકુંભ જેવા ભાદરવી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર ગુજરાતના માઈભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચીને મા અંબાના ધામે શીશ ઝુકાવતા હોય છે. પદયાત્રીઓને અંબાજી સુધી પહોંચતા કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે અનેક સેવાભાવી લોકો દ્વારા અનેક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં ભક્તો માટે વિનામૂલ્યે ખાણી-પીણી તથા વિસામાની વ્યવસ્થા કરવામાં આવે છે.
ભાદરવી પૂનમના મેળામાં અંબિકા સેવા કેમ્પની રજવાડી ખીચડી
અંબાજી મહામેળા દરમિયાન દૂર દૂરથી પદયાત્રા કરી આવતા યાત્રાળુઓને સાત્વિક અને શુદ્ધ ભોજન મળી રહે તે માટે અંબિકા સેવા કેમ્પ ગોધાવી દ્વારા છેલ્લા 7 વર્ષથી પીપળાવાળી વાવ (ત્રિશુલિયા ઘાટ) પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અહીં ભક્તોને શુદ્ધ મિનરલ પાણી, ચા નાસ્તો, રજવાડી ખીચડી જમાડવામાં આવે છે. ભક્તો માટે અહીં મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
સેવા કેમ્પના આયોજક પ્રદીપસિંહ વાઘેલાએ લોકલ 18ને જણાવ્યું હતું કે, ‘‘છેલ્લા 7 વર્ષથી અલગ અલગ શાકભાજી મિક્સ કરી ખીચડીનો પ્રસાદ યાત્રાળુને પીરસવામાં આવે છે. અમારા દ્વારા બનાવવામાં આવતી ખીચડીનો સ્વાદ અને ગુણવત્તા યાત્રાળુઓને ખુબ જ પસંદ આવે છે. આ રજવાડી ખીચડી ભાદરવી પૂનમના મેળામાં વખણાય છે.’’
દરરોજ 35 હજાર લોકો જમે છે રજવાડી ખીચડી
દૂર દૂરથી આવતા યાત્રાળુઓ અંબિકા સેવા કેમ્પની રજવાડી ખીચડીનો ટેસ્ટ અચૂકપણે માણે છે. અહીં દરરોજ 35 હજાર કરતા વધુ યાત્રાળુઓ ખીચડીના પ્રસાદનો લાભ લે છે. આમ આ મેળામાં આવતા લાખો ભક્તો આ રજવાડી ખીચડીનો લાભ લે છે. આ સેવા કેમ્પમાં 250 કરતા વધુ સ્વયંસેવકો રાત દિવસ યાત્રાળુઓની સેવામાં ખડે પગે રહે છે.
ભાદરવી પૂનમના મહામેળામાં છેલ્લા 37 વર્ષથી અમદાવાદથી અંબાજી સંઘ સાથે આવતા શ્રીમાળી દિલપભાઈએ લોકલ 18ને જણાવ્યું હતું કે, ‘‘અંબાજી આવતા અનેક રસ્તામાં સેવા કેમ્પ આવતા હોય છે. પરંતુ અંબિકા સેવા કેમ્પની રજવાડી ખીચડી ખુબજ ટેસ્ટી અને પ્રખ્યાત છે. અમે દર વર્ષે આ રજવાડી ખીચડીનો ટેસ્ટ અચૂક માણીએ છીએ.’’
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર