- કબાટમાંથી દર દાગીનાની ચોરી કરી અજાણ્યા ઈસમ પલાયન
- મહિલાનુ મોઢુ બાંધી ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા
- ડોગ સ્કવોર્ડ, એફએસએલની મદદથી તપાઈ હાથ ધરાઈ
અંજાર તાલુકાના સતાપર ગામે આજે સવારથી બપોર દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ લૂંટના ઈરાદે છકડા ચાલકના ઘરમાં ઘુસી ગયા હતા. ત્યારે ઘરમાં હાજર છકડા ચાલકની પત્નીનુ મોઢુ બાંધી નાખ્યું હતુ. ત્યારબાદ તેણીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી પ્રહારો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી નાખી હતી અને ઘરમાં રાખેલ કબાટમાંથી દર દાગીનાની ચોરી કરી હત્યારા પલાયન થઈ જતા સનસનાટી મચી ગઈ છે.
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સવારના 11 વાગ્યાથી બપોરના 1.30 વાગ્યા દરમિયાન હત્યાનો હિચકારો બનાવ બન્યો હતો. તાલુકાના સતાપર જુનાગામે રહેતા અને છકડો ચલાવતા હરી પાંચા ઢીલા (આહિર) ઉવ.36 આજે સવારના આઠેક વાગ્યાના અરસામાં ધંધાર્થે અંજાર ગયા હતા. જ્યારે તેમની પત્ની મીઠીબેન ઢીલા (આહિર) ઉવ.34 જેઓ પણ ગામમાં ચાલતા મનરેગા યોજના હેઠળના રાહતકામમાં જતા હોઈ કામે ગયા હતા અને સવારના 11 વાગ્યાના અરસામાં પરત આવ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમ લૂંટના ઈરાદે તેમના ઘરમાં ધસી ગયા હતા.
અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી મીઠીબેન રાડરાડ ન કરી સકે તે માટે તેમનુ મોઢુ બાંધી નાખ્યું હતુ. ત્યારબાદ તેમને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા. ગંભીર ઈજાને કારણે મીઠીબેને દમ તોડી દીધો હતો. હત્યાના બનાવને અંજામ આપી આરોપીએ ઘરમાં રાખેલ કબાટમાં દર દાગીનાનો સફાયો કરી પલાયન થઈ ગયા હતા. ઘટના બાદ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં હરીભાઈ જમવા ઘેર ગયા હતા. ત્યારે પત્ની મીઠીબેન રૂમમાં પલંગમાં મોઢા પર ઓશીકુ રાખી સુતેલાં નજરે પડયા હતા. હરીભાઈએ જમવાનુ આપવાનુ કહેતા મીઠીબેને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જેથી ઓશીકુ હટાવતા નજર સામે પત્નીની લોહીથી લથબથ હાલતમાં લાશ નજરે પડી હતી. હિચકારા બનાવને પગલે હરીભાઈએ રાડારાડ કરતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા અંજાર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યા, ચોરી સહિતની કલમો તળે ગુનો નોધી તપાસનો દોર હાથ ધર્યો છે.
પત્નીની લાશ નિહાળી પતિ બેશુધ્ધ બની ગયા
અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સતાપર ગામે લૂંટના ઈરાદે મીઠીબેનની ઘાતકી હત્યા નિપજાવી આરોપીએ મીઠીબેનને પલંગમાં સુવડાવી દીધા હતા. ત્યારબાદ મોઢા ઉપર ઓશીકુ રાખી દીધુ હતુ. દરમિયાન બપોરના અરસામાં હરીભાઈ ઘેર આવી મીઠીબેનના મોઢા પરથી ઓશીકુ હટાવતા લોહીથી લથબથ હાલતમાં લાશ નજરે પડી હતી. જેથી હરીભાઈ થોડા સમય માટે બેશુધ્ધ બની ગયા હતા. ત્યારબાદ રાડારાડ કરી મુકી હતી.
ડોગ સ્કવોર્ડ, એફએસએલની મદદથી તપાઈ હાથ ધરી છેઃ ડીવાયએસપી
અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે, સતાપરમાં મહિલાની હત્યા નિપજાવી અજાણ્યા ઈસમો રોકડ રૂપિયા, દાગીના સહિતની મતાની ચોરી કરી ગયા છે, પરંતુ કેટલા મુદામાલની ચોરી થઈ છે તે જાણી સકાયુ નથી. જેથી બનાવનો તાગ મેળવવા પોલીસે ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની મદદથી તપાસનો દોર હાથ ધર્યો છે.
હત્યારાઓને ઝડપી પાડવા 5 ટીમોને કામે લગાડાઈ
અંજાર તાલુકાના સતાપર ગામે લૂંટના ઈરાદે મહિલાની ઘાતકી હત્યા નિપજાવાનો બનાવ ઉજાગર થતા હડકંપ મચી ગયો છે. ત્યારે બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, અંજાર પોલીસ વગેરેની 5 અલગ અલગ ટીમો બનાવામા આવી છે અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામા આવી છે.