- જવા આવવાનો ખર્ચ પોષાય એમ નથી એવું કામદારોનું મંતવ્ય
- ભારતનાં અલગઅલગ ખૂણેથી લાખો મજૂરો અહીં રોજગારી મેળવવા આવે છે
- બીજા કારણોસર આ ચૂંટણીમાં ભાગ નથી લઈ રહ્યો, તેમણે મતદાનથી વંચિત રહેવાનો નિર્ણય લીધો છે
સમગ્ર એશિયાની સૌથી મોટામાં મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર જીઆઈડીસી પ્રવાસી કામદારોનું નગર પણ છે. ભારતનાં અલગઅલગ ખૂણેથી લાખો મજૂરો અહીં રોજગારી મેળવવા આવે છે. અહીં વસેલા લાખો કામદારો તેમના રાજ્યમાં વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા તેમના વતન જતા હોય છે. પરંતુ આ વખતે એક એવો વર્ગ પણ છે જે એક અથવા બીજા કારણોસર આ ચૂંટણીમાં ભાગ નથી લઈ રહ્યો, તેમણે મતદાનથી વંચિત રહેવાનો નિર્ણય લીધો છે.
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાંથી અહીં આવેલા અનેક લોકોએ અંકલેશ્વરને તેમનું પોતાનું બનાવી લીધું છે. તેઓ મોટાભાગે ડાયઝ, કેમિકલ્સ, ફર્માસ્યુટિકલ સહિતની ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. પરંતુ ભારતનાં મહત્ત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક શહેરોમાં સ્થાન પામતા ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં કામ કરી રહેલા અનેક પ્રવાસી કામદારોને એવી કેટલીક સમસ્યાઓ નડી રહી છે, જે તેમને મતદાન કરવાના અધિકારનો ઉપયોગ કરતાં રોકી રહ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના અને વર્ષોથી અંકલેશ્વરમાં રંગકામ વ્યવસાય સાથે સંકળાયેલા પપ્પુ જયસ્વાલે જણાવ્યું હતું કે 20 19ની લોકસભા ચૂંટણીમાં તેઓ મતદાન કરવા માટે પોતાના ગામ ગયા હતા પણ આ વખતે તેઓ નથી જઈ રહ્યા. આ વખતની ચૂંટણીમાં પણ મારા પરિવારના સભ્યો મતદાન કરશે પરંતુ હું નહીં કરું. આ વખતે હું અંકલેશ્વરમાં હોઈશ અને મતદાન કરવા માટે ગામ જવાનો નથી. તેની પાછળનાં કારણો આપતા તેઓ જણાવે છે કે પ્રવાસનો ખર્ચ વધી ગયો છે અને આકરી ગરમીમાં પ્રવાસ કરવા માગતા નથી. જવા માટે વ્યક્તિ દીઠ 1500 થી 2000 રૂપિયાનો ખર્ચ થાય છે. આટલો જ ખર્ચ પાછા આવવામાં પણ થાય છે. ખર્ચ ઉપરાંત ઓછામાં ઓછી ચાર દિવસની રજા જોઈએ. હવે આટલા દિવસની રજા મળતી નથી. જો તમે રજો લો તો પગાર કાપી લેવામાં આવે છે. હવે આવી સ્થિતિમાં મતદાન કરવા માટે જવું શક્ય નથી.
કામદારો મજબૂર હોવાથી મતાધિકારથી વંચિત રહેશે
આ અંગે એક નામાંકિત ઉદ્યોગ અગ્રણીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં હજારો કામદારો દેશના વિવિધ રાજ્યોમાંથી આવીને વસ્યા છે અમુક કામદારો એકલા અહીં કામ કરવા આવે છે તો કેટલાક કામદારો પરિવાર સાથે અહીં કાયમી વસવાટ કરી રહ્યા છે સામાન્ય રીતે ચૂંટણીમાં આ તમામ મતાધિકારનો લાભ લેવા પોતાના ગામ જતા હોય છે અને વતન જઈને લોકોને મળીને મતદાન કરીને પરત ફરતા હોય છે પરંતુ મોંઘવારી અને ગરમીને કારણે પોતાના વતન જવાની મુસાફરી કામદારોને પોષાય એમ નથી, બીજી તરફ કામદારોના વતન જવાથી ઉદ્યોગોને પણ તેમની ખોટ વર્તાય છે આથી આ વખતે પરિસ્થિતિ કંઈક આવી જ રહેવાની છે.