જૂનાગઢ: આજે 4 ફેબ્રુઆરી એટલે કે, વિશ્વ કેન્સર દિવસ છે. આ દિવસને કેન્સર વિશે જાગૃતિ લાવવા, તેના વિશે માહિતી ફેલાવવા અને આ રોગ સામે લડવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. અત્યારે વિશ્વભરમાં કેન્સરથી મૃત્યુની સંખ્યા વધી રહી છે. જેમાં જૂનાગઢ જિલ્લો પણ બાકાત નથી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં હાલમાં 1500 થી 2000 જેટલા કેન્સર દર્દીઓ નોંધાયા છે. જેમાં મોઢાના કેન્સરનો દર વધુ હોવાનું નોંધવામાં આવ્યું છે. પહેલાના સમયમાં કેન્સર એટલે લોકો વ્યક્તિ કેન્સલ સમજી લેતા હતા. પરંતુ હવે તેવું રહ્યું નથી, સમય જતા મેડિકલ ક્ષેત્રે પણ ખૂબ સારા એવા સંશોધનો કર્યા છે અને અત્યારે તેના સારા પરિણામ પણ મળી રહ્યા છે. ત્યારે આવો જાણીએ હાલમાં કઈ પ્રકારે કેન્સરને માત આપી શકાય છે, કઈ રીતે તેને ઓળખી શકાય છે, આ સમગ્ર બાબતની માહિતી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગના ઇન્ચાર્જ ડૉ. અજય પરમાર પાસેથી આજે આપણે જાણીશું.
કેન્સરના અલગ અલગ લક્ષણો
માહિતી અનુસાર, જૂનાગઢ સહિત દરેક જગ્યાએ કેન્સરનું પ્રમાણ આજે દિવસેને દિવસે વધી રહ્યું છે. તેમાં સૌથી વધુ કેન્સરમાં પ્રમાણ મોઢાનું છે. કેશોદ સોમનાથ વિસ્તારમાં આ પ્રમાણ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. જેમાં ભાઈઓ અને બહેનો બંનેમાં આ પ્રમાણ જોવા મળી રહ્યું છે. મહિલાઓમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સર અને અંડાશયના કેન્સર જોવા મળી રહ્યા છે. મોટાભાગે જે ભાગનું કેન્સર હોય તે પ્રમાણે તેના લક્ષણો અલગ અલગ જોવા મળતા હોય છે.
મોઢાનું અને બ્રેસ્ટ કેન્સર
ઉદાહરણ તરીકે જો મોઢાનું કેન્સર છે તો, તે ભાગમાં રૂઝ ન આવે તેવી ચાંદી જોવા મળે છે. મોટાભાગે કેન્સરમાં આ પ્રકારની ચાંદીમાં દુખાવો થતો નથી. જો ચાંદીમાં થોડું થોડું લોહી નીકળતું હોય અને દુખાવો ન હોય તો તેને કેન્સરની ચાંદી હોવાની શક્યતા છે. જો આ પ્રકારના લક્ષણ જોવા મળે તો તમારા જાણીતા તબીબને અથવા કોઈ ઇએનટી સર્જનને બતાવવું જરૂરી છે. આ સાથે મહિલાઓમાં જોવા મળતા બ્રેસ્ટ કેન્સરમાં પોતાની રીતે મહિલાઓ તપાસ કરતી હોય છે, પરંતુ જ્યારે પણ ગાંઠ કે એવું કંઈ જોવા મળે તો મેમોગ્રાફી અથવા સોનોગ્રાફી કરવાથી વહેલું નિદાન થઈ શકે છે. જો બ્રેસ્ટ કેન્સરમાં વહેલું નિદાન થઈ જાય તો જે તે દર્દીની ઉંમર 5થી 20 વર્ષ સુધી વધી જાય છે.
કીમો થેરાપી સારવાર અને તેના ફાયદા
કેન્સર સમયે આપવામાં આવતી કીમો થેરાપી સારવાર એ એક પ્રકારની એન્ટિબાયોટિક દવા જ છે. આ થેરાપીમાં દર્દીને બોટલ ચડાવવામાં આવે છે. આ એક એવી ચોક્કસ પ્રકારની દવા છે જે સીધા કેન્સરના કોષ પર અસર કરતી હોય છે. આ સિવાય અનેક બીજી દવા પણ ટેબ્લેટ રૂપે આપવામાં આવે છે. ખાસ કરીને લોકો કેન્સરમાં જમવાનું પણ ઓછું કરી દેતા હોય છે કે બદલાવ કરી દેતા હોય છે પરંતુ તેમાં કોઈ પણ પ્રકારની પરેજી રાખવાની જરૂર નથી જે પ્રકારે પહેલા જમતા હતા તે પ્રકારે જમવાનું શરૂ રાખવામાં આવે તો પણ શરીરને પોષણ મળી રહે છે. કારણ કે મુખ્ય વસ્તુ શરીરનું વજન જાળવી રાખવાનું રહે છે.
કેન્સરના પ્રકારો
કેન્સર અનેક પ્રકારના હોય છે. જેમાં ફેફસાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, જઠરનું કેન્સર, આંતરડાનું કેન્સર આ બધા પ્રકારના કેન્સર હાલના સમયમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે પહેલા અથવા બીજા સ્ટેજમાં જો કેન્સરની સારવાર યોગ્ય રીતે લઈ લેવામાં આવે તો દર્દીને ખર્ચો પણ ઓછો થાય છે અને જલ્દી સ્વસ્થ પણ થઈ જાય છે.
ઉપાય
રેગ્યુલર બોડી ચેકઅપ કરાવવું જોઈએ, નિયમિત રિપોર્ટ્સ કરાવવા જોઈએ, છ થી 12 મહિને સોનોગ્રાફી એક્સરે લોહીના વિવિધ રિપોર્ટ કરાવવા જોઈએ. આ માટે તમારા જાણીતા MD તબીબ ને બતાવી અને માર્ગદર્શન મેળવી શકો છો. પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે લોકોએ આ બાબતે જાગૃતિ રાખવી જરૂરી છે રેગ્યુલર ચેકઅપ કરાવો તો ખૂબ વહેલી ખબર પડે જેથી વહેલી સારવાર શરૂ થાય અને તેના આગળના તબક્કાઓથી બચી શકાય. મહત્વનું છે કે, બધા કેન્સર પ્રમાણમાં ઘાતક જ હોય છે, પરંતુ છેલ્લા સ્ટેજમાં રહેલા તમામ કેન્સર જે ભાગનું હોય છે તેના સિવાય પણ તમામ શરીરના ભાગમાં ફેલાયેલું હોય છે. આ પ્રકારના સ્ટેજમાં સારવાર પેશન્ટને વધારે પડતી તકલીફ ન પડે તે રીતે આપવાની હોય છે.
કેન્સરના આંકડા
અત્યાર સુધીમાં કુલ નોંધાયેલ દર્દીઓની સંખ્યા 1969 છે. જેમને મદદ મળી રહે તે માટે કેન્સર ગ્રસ્ત વ્યક્તિને દર મહિને રૂ.1,000 તબીબી સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે જ્યાં સુધી આ સારવાર ચાલે ત્યાં સુધી દર વર્ષે ડોક્ટરનું પ્રમાણપત્ર જોડી અને લાભ મેળવી શકે છે.
તાલુકા પ્રમાણે દર્દીઓની વિગત નીચે મુજબ છે:
-
ભેસાણ તાલુકા: કુલ 155 કેસમાં 33 સ્તન, 78 મોઢાના, 02 ગર્ભાશયના મુખના અને 42 અન્ય પ્રકારના દર્દીઓ.
-
જૂનાગઢ તાલુકા: કુલ 192 કેસમાં 33 સ્તન, 104 મોઢાના, 09 ગર્ભાશયના મુખના અને 46 અન્ય.
-
કેશોદ તાલુકા: કુલ 381 કેસમાં 94 સ્તન, 198 મોઢાના, 15 ગર્ભાશયના મુખના અને 74 અન્ય.
-
માળીયાહાટીના તાલુકા: 224 કેસમાં 35 સ્તન, 127 મોઢાના, 09 ગર્ભાશયના મુખના અને 53 અન્ય.
-
માણાવદર તાલુકા: 160 કેસમાં 37 સ્તન, 93 મોઢાના, 07 ગર્ભાશયના મુખના અને 23 અન્ય.
-
માંગરોળ તાલુકા: 299 કેસમાં 63 સ્તન, 189 મોઢાના, 11 ગર્ભાશયના મુખના અને 36 અન્ય.
-
મેંદરડા તાલુકા: 110 કેસમાં 26 સ્તન, 65 મોઢાના, 02 ગર્ભાશયના મુખના અને 17 અન્ય.
-
વંથલી તાલુકા: 223 કેસમાં 49 સ્તન, 124 મોઢાના, 05 ગર્ભાશયના મુખના અને 45 અન્ય.
-
વિસાવદર તાલુકા: 225 કેસમાં 51 સ્તન, 128 મોઢાના, 05 ગર્ભાશયના મુખના અને 41 અન્ય.
આ આંકડા દર્શાવે છે કે, સ્થાનિક વિસ્તારોમાં કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે અને સમયાંતરે જાગૃતિ અને નિદાન પ્રણાલીઓમાં સુધારો લાવવામાં આવ્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર