આણંદ: દર વર્ષે 18મી સપ્ટેમ્બરના રોજ બામ્બુ વિશે જાગૃતિ લાવવા માટે વર્લ્ડ બામ્બુ ડે તરીકે ઉજવવામાં આવે છે. બામ્બુ એક એવું અનોખું વૃક્ષ છે, જે ખૂબ જ ઝડપથી ઉગે છે અને તેના અનેક રીતના ઉપયોગ કરી શકાય છે. મોટાભાગે બામ્બુ એટલે કે વાંસનો ઉપયોગ ચીજવસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરાતો હોય છે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે, બામ્બુનો ખાવામાં પણ વિવિધ રીતના ઉપયોગ કરવામાં આવે છે. જો કે, તે અંગે ઘણા ઓછા લોકોને જાણ હોવાથી લોકોને જાગૃત કરવા માટે 2005માં વર્લ્ડ બામ્બુ ઓર્ગેનાઈઝેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઓર્ગેનાઈઝેશન દ્વારા બામ્બુના ઉત્પાદનના ઉપયોગ અને બામ્બુ અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે, જેથી કરીને તે પર્યાવરણની સાથે સાથે અર્થવ્યવસ્થાને પણ ઉપયોગી થઈ શકે છે.
આર્યુવેદિકમાં વિવિધ જગ્યાએ બામ્બુ(વાંસ)નો થાય છે ઉપયોગ
આ અંગે આર્યુવેદિક ડો.ધનવંતરી કુમાર ઝાએ જણાવ્યું હતું કે, “બામ્બુ એ ગ્રાસ કેટેગરીમાં આવતું એક એવું પ્લાન્ટ છે, જે ખૂબ જ લાંબુ જીવન જીવે છે. આ એક પ્રકારનું ઘાસ જેવું જ પ્લાન્ટ છે, જે વર્ષો જૂનું છે. આર્યુવેદિકમાં પણ વિવિધ જગ્યાએ બામ્બુ(વાંસ)નો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે, તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં મિનરલ્સ અને વિટામિન્સ આવેલા હોય છે. આર્યુવેદિકમાં અનેક જગ્યાએ બામ્બુ(Bamboo)નો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમકે જૂનું અને જાણીતું ચમનપ્રાસ, આમાં વંશલોચનનો ઉપયોગ કરવામાં આવે છે.
વંશલોચન એટલે શું?
100 વર્ષ જૂના બામ્બુના અંદરના ભાગમાંથી નીકળેલ પ્રવાહીને વંશલોચન તરીકે ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ શ્વાસને લગતી અને ફેફસાને લગતી વિવિધ પ્રકારની બીમારી દૂર કરવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને દમ, અસ્થમા જેવી બીમારીમાં આ ખૂબ જ સારું પરિણામ આપે છે. આથી અનેક જગ્યાએ બીમારીને લગતી દવામાં બામ્બુનો ઉપયોગ કરવામાં આવે છે.”
આદિવાસી લોકો અથાણું અને શાક બનાવી કરે છે સેવન
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “ઘણી બધી જગ્યાએ બામ્બુ(Bamboo)નો ઉપયોગ શાક અથવા તો અથાણું બનાવીને કરવામાં આવતો હોય છે. ખાસ કરીને ભારતના નોર્થ ઈસ્ટ રાજ્ય જેવા કે, મણીપુર, આસામમાં બામ્બુનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતમાં સાઉથ ગુજરાત એટલે કે, સાપુતારાની આસપાસની વિસ્તારમાં રહેતા આદિવાસી દ્વારા બામ્બુનું અથાણું બનાવીને ખાવામાં આવે છે.”
આ વિટામિન્સથી છે ભરપૂર
“આ પ્લાન્ટમાં વિવિધ પ્રકારના વિટામિન્સ આવેલા હોય છે. ખાસ કરીને બી વિટામિન્સ જેવા કે, બી 6, બી 12 ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે, વેજીટેરિયન લોકો માટે બી 12ની કમી ખૂબ જ મોટી તકલીફ ઊભી કરે છે. કારણ કે, આ વિટામિન મોટાભાગે માંસાહારી વસ્તુ અને પ્રાણીઓમાંથી મળતું હોય છે. આથી જ શાકાહારી લોકો માટે બીટવેલ માટેનું ખૂબ જ સારું સ્ત્રોત બામ્બુ કહી શકાય છે. આ ઉપરાંત બામ્બુમાં કેલ્શિયમ, પોટેશિયમ વગેરે જેવા મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. આથી જ જ્યારે હાડકું તૂટવું અથવા તો એવી કોઈ તકલીફ ઊભી થાય ત્યારે આનો ઉપયોગ કરી શકાય છે.
બામ્બુના વાસણ બનાવીને પણ કરાય છે ઉપયોગ
ઘણી જગ્યાએ બામ્બુના વાસણ બનાવીને પણ ઉપયોગ કરવામાં આવે છે. આ વાસણના ઉપયોગ થકી પણ વિવિધ પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સ આપણા ભોજનમાં ભળતા હોય છે. સાથે સાથે બામ્બુનો અનેક શુભ પ્રસંગે પણ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે, તે એન્ટી બાયોટિક્સ ગુણધર્મ પણ ધરાવે છે. આથી જ બામ્બુમાં આવેલ વિવિધ પ્રકારની ઉપયોગીતાના કારણે તેનો ઉપયોગ ખૂબ જ સારી રીતના કરવામાં આવે છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર