જામનગર: હાસ્ય કલા ક્ષેત્રે જબરું ખેડાણ કરનારા જામનગરના રત્ન સમાન વસંત પરેશ બંધુનું નિધન થયું છે. વસંત પરેશ ‘બંધુ’ એ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા તેમનો ચાહક વર્ગ ઘેરા શોકના સાગરમાં ડૂબ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 6500 થી પણ વધુ શો કર્યા છે. તેમના નિધન સાથે જ તેમને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમારીને લઈ પથારીવશ રહેલા વસંત પરેશે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પાર્થિવ દેહને બપોરે જામનગર લાવવામાં આવ્યો હતો અને સાંજે 4:30 કલાકે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.
જામનગર નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશ ખેતસીભાઈ (વસંત પરેશ બંધુ) એ 70 વર્ષની વયે અંતિમ વ્યારાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર તેઓ લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લા 4 વર્ષથી પથારીવશ હતા. જે બીમારી જીવલેણ નીવડી છે. આજે તેમની અંતિમયાત્રામાં જામનગરના ખ્યાતનામ લોકો જોડાયા હતા. આ દરમિયાન અશ્રુનો સાગર ઉભરાયો હતો.
વસંત પરેશનો જન્મ 31/08/1954 ના રોજ થયો હતો. 38 વર્ષ સુધી કલા જગતમાં કાર્ય કર્યું છે. તેમના પુત્ર ચિંતન વસંતે જણાવ્યું કે કોલેજ કાળથી જ શાયરીઓ લખવાનો જબરો શોખ ધરાવતા હતા. વસંત પરેશને હાસ્ય કલાકાર વિનુ ચાર્લીએ હવાઈ ચોકમાં એક જાહેર સ્ટેજ શોમાં કાર્યક્રમનું સંચાલન કરવા કહ્યું હતું અને તે પછી આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. 3 કલાસ સુધી હાસ્યની રમઝટ બોલાવી તેઓ શ્રોતાઓને પેટ પકડીને હસાવતા હતા. સૌરાષ્ટ્ર, ગુજરાતના ગામડે ગામડે અને ખૂણે ખૂણે કાર્યક્રમ આપ્યા છે સાથે 18 જેટલા દેશોમાં પોતાની કલા પીરસી છે. 150થી વધુ કેસેટો, 50 થી વધુ ડીવીડી-વીસીડી પ્રસિદ્ધ થઈ છે. ‘બંધુ’ ના નામે તે જાણીતા બન્યા હતા.
આ પણ વાંચો:
હાસ્યએ તેનો ‘બંધુ’ ગુમાવ્યો! લોકોને પેટ પકડીને હસાવનાર વસંત પરેશનું નિધન, 70 વર્ષે લીધા અંતિમ શ્વાસ
પત્નીના નામે જોક્સ કરવા તે પોતાની આગવી આવડત હતી અને શાહબુદ્દીનભાઈનું વનેચંદનું પાત્ર જાણીતું હતું, તેવી જ રીતે પરેશ વસંતે સર્જેલું ‘ધીરુ’નું પાત્ર પણ એટલું જ જાણીતું થયું હતું. તેમના હિટ શોની વાત કરવામાં આવે તો વસંત પરેશ બંધુએ ‘વસંતનું શટર ડાઉન’, ‘ચૂંટણી જંગ’, ‘મારી અર્ધાંગિની’, ‘પોપટની ટિકિટ ન હોય’ જેવા અનેક હાસ્ય રસો પીરસ્યા છે.
આ પણ વાંચો:
બે વિઘામાં શેરડીનું વાવેતર કરી 4000 કિલો ગોળનું ઉત્પાદન મેળવ્યું, ખેડૂત બન્યા લખપતિ
સાથે જ તેઓએ હિન્દી ફિલ્મમાં પણ કેમિયો રોલ કર્યો છે. તેમનું જીવન ખૂબ સંઘર્ષમય રહ્યું છે. સ્ટેજમાં એનાઉન્સર અને સંચાલક તરીકે કામ કરી સાહિત્ય અને કલા જગતમાં પગ મૂક્યો હતો. પોતાની અનોખી વાક્છટા અને શાયરીઓના અનોખા અંદાજને કારણે તેમનો શ્રોતા વર્ગ અને ચાહક વર્ગ વિશાળ હતો. આ અંગે 110 જેટલી ઓડિયો કેસેટો પ્રસારિત કરી ચૂક્યા છે. દુષ્કાળ વખતે ગૌચારા માટે ફંડ એકત્ર કરવા સેવાના હેતુથી અનેક કાર્યક્રમો કર્યા હતા. દુબઈ, શાહજહાં, કેનેડા, યુરોપ, લંડન સહિતના અનેક દેશમાં હાસ્ય રસ પીરસી ચૂક્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર