ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મોસમે ફરીથી કરવટ બદલી હોય તેમ બે દિવસથી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. નવરાત્રિના અંતિમ દિવસોમાં થયેલા પાછોતરા વરસાદથી નુક્સાનીની કળ વળી નથી ત્યાં ફરી પાછાં આકાશમાં વાદળો મંડાતાં મગફળીના તૈયાર પાકને જોખમ ઉભું થયું છે.
આ સાથે જ કપાસને પણ બદલાયેલા વાતાવરણથી નુક્સાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ખાસ કરીને હાલમાં મગફળી કાઢવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આવા સમયે જો વરસાદ થશે તો ખેડૂતોને મોંઢામાં આવેલો કોળિયો ઝૂંટવાય જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં તા. 14મી ઓક્ટોબર, 2024ની સ્થિતિએ કુલ ખરીફ વાવેતર વિસ્તાર 17,91,900 હેક્ટર થવા જાય છે. જેમાં મગફળીનું કુલ 3,50,900 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કપાસનું 1,93,300 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. હાલ મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો મગફળી કાઢવાના કામમાં પરોવાઇ ગયા છે. મગફળી ઉપરાંત કપાસનું પણ સારું એવું વાવેતર થયું છે. પરંતુ સૂકારાના રોગના કારણે ખેડૂતોને કપાસમાં મોટો ફટકો પડયો છે. બીજી તરફ ક્યાંક રૂ નીકળ્યું છે તે વીણવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે કમોસમી વરસાદ પડશે તો ફાટી નીકળેલું રૂ પણ વરસાદમાં પલળી જવાની આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ નવરાત્રીના અંતિમ દિવસોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં કેટલાક સ્થળોએ વરસાદ પડયો હતો. જેના કારણે કપાસ અને મગફળીના પાકને નુક્સાન પહોંચ્યું હોવાની ખેડૂતોમાંથી ફરિયાદો ઉઠી હતી. આ નુક્સાનની કળ હજુ વળી નથી ત્યાં ફરીથી વાતાવરણ પલટાયેલું જોવા મળે છે. બે દિવસથી વહેલી સવારથી જ વાદળો ગોરંભાયેલા જોવા મળે છે. જેથી વરસાદ થવાની શક્યતાના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદ થયા વિના વાદળો વિખેરાશે નહીં તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદ પડવાના કારણે મગફળી કાળી પડી જવાથી લઈને ફરીથી જમીનમાં મગફળી ઉગી નીકળે તેવી દહેશત ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઈ છે. હાલ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કુદરતી આફત સર્જાવાના ડરથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. બીજી તરફ તૈયાર થયેલો ખેતી પાક વરસાદ થાય તો પલળી ન જાય તે માટે ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી છે.
જો વરસાદ થાય તો તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ
રાજ્યના હવામાન વિભાગે આગામી તા. 27મી ઓક્ટોબર સુધીના હવામાનની આગાહી કરી છે. જેમાં આવતીકાલે તા. 21મીએ અમદાવાદ સહિતના આસપાસના જિલ્લાઓમાં વરસાદ થઇ શકે છે. જેમાં અમદાવાદને અડીને આવેલા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ક્યાંક ઝાપટું નાખે તેવી શક્યતાઓના પગલે મગફળી અને કપાસનું વાવેતર કરનારા ખેડૂતોમાં દોડધામ મચી છે. જો કે, સદનસીબે આગામી તા. 27મી ઓક્ટોબર સુધી જારી કરાયેલી હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા નહીંવત જોવા મળે છે. આમ છતાં પણ ખેડૂતો કોઇપણ પ્રકારનું જોખમ લેવા માગતા નથી. મગફળીનો લગભગ 3.50 લાખ હેક્ટર જેટલો મોટો વાવેતર વિસ્તાર હોવાથી વરસાદ થાય તો નુક્સાન થવાની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.
ખેડૂતો હવે માવઠાનો માર સહન કરી શકશે નહીં
તાજેતરમાં થયેલા પાછોતરા વરસાદે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પહોંચાડયો હતો. પાણી ભરાવાના કારણે કપાસના છોડ સૂકાઈ ગયા હતા. જેમાં ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. કપાસનું વાવેતર કરનારા મોટાભાગના ખેડૂતોની ગણતરીઓ ઊંધી પડી છે. જ્યાં પાંચ વીઘામાંથી અંદાજે 150થી 200 મણ કપાસ થવાનો અંદાજ હતો ત્યાં આજની સ્થિતિએ સૂકારાના રોગના કારણે માંડ પાંચ મણ કપાસ પણ થઈ શકે તેમ નથી. મગફળીના પાકમાં પણ ખેડૂતોએ મોટું રોકાણ કર્યું છે. મોંઘા દવા, ખાતર અને બિયારણ લાવીને વળતર મળવાની આશા રાખીને બેઠેલા ખેડૂતોને પાછોતરા વરસાદે ફટકો પહોંચાડયો હતો. શરૂઆતના દિવસોમાં સમયસર વરસાદ ન થતાં ડોળ નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો હતો. બાદમાં સળંગ વરસાદ આવતાં ખેતરો જળબંબાકાર થઈ ગયાં હતા. જેના કારણે મગફળીના છોડ કાળા પડી ગયા હતા. આમ પાછોતરા વરસાદના મારમાંથી ખેડૂતોની કળ વળી નથી ત્યાં હવે ફરી વરસાદનો માર ખેડૂતો સહન કરી શક્શે નહીં તેવું જાણકારોનું માનવું છે.
દિવાળી ટાણે ખેડૂત પરિવારોમાં પાકને નુકસાન થવાની દહેશત
દિવાળીના તહેવારો આડે હવે માંડ અઠવાડિયું રહ્યું છે. દર વર્ષે નવરાત્રિના સમયે કપાસની મબલખ આવક શરૂ થઈ જતી હતી. ખેડૂતો નવરાત્રિમાં જ કપાસ વેચીને કમાણી કરતા હતા. જો કે, ચાલુ વર્ષે કપાસની આવક શરુ થઈ નથી. સૂકારાના રોગના કારણે ખેડૂતોને સામી દિવાળીએ કોઈ આવક થઇ શકે તેમ નથી. આમ સામી દિવાળીએ ખેડૂત પરિવારોમાં ખેતી પાકોમાંથી કોઈ મોટી આવક થાય તેવી શક્યતાઓ નહીંવત જોવામાં આવી રહી છે. માત્ર ખેતી ઉપર જીવન નિર્વાહ કરનારા પરિવારોમાં હાલની સ્થિતિએ કોઈ આવક આવે તેમ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
મગફળીની ટેકાના ભાવે વહેલી ખરીદીની માંગ
બજાર કરતાં મગફળીના ટેકાના ભાવ વધુ મળી રહ્યા હોઇ ખેડૂતો મોટાપાયે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. ઓક્ટોબર મહિના સુધી રજિસ્ટ્રેશન થઇ શક્શે. ત્યારબાદ નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા દિવાળીના તહેવારો પછી 11મી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરુ કરાશે તેમ સત્તાવાર સુત્રો જણાવી રહ્યા છે. એકતરફ ખેડૂતો માટે મગફળીનો તૈયાર પાક ક્યાં રાખવો તેની વિમાસણ છે. બીજી તરફ ખરીદી માટે છેક તા. 11મી નવેમ્બર સુધી કેટલા ખેડૂતો રાહ જોશે ? તે પણ યક્ષ પ્રશ્ન છે. સામી દિવાળીએ પૈસાની જરુરીયાત ક્યા ખેડૂતને ન હોય ? તે સમજી શકાય તેવી બાબત છે.