વિસનગર તાલુકાના ભાન્ડુ ગામ નજીક હાઈવે ઉપર આવેલી સહયોગ હોટલ નજીક બાઈકચાલકને ડમ્પરે પૂર જોશમાં ટક્કર મારતાં બાઈકચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયુ હતું.
આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. તેમજ લોકોએ રોષે ભરાઈને વાહનો સળગાવ્યા હતા. આ બનાવની જાણ થતાં વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. પોલીસે મૃતક ભાવેશ રબારીની લાશને મહેસાણા સીવીલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી રબારી ભાથીભાઈ જીવાભાઈ લીલાભાઈ રહે.ભાન્ડુની ફરિયાદ લઈ ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી બાજુ રોષે ભરાયેલા લોકોએ એક ટ્રેક્ટર અને ચાર બાઈકોને સળગાવી દીધા હતા.
પોલીસે વણજારા છોગાજી છનાજીની ફરિયાદ લઈ બાઈકો અને ટ્રેક્ટર સળગાવનાર સામે ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે બે ગુના દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ભાન્ડુ ગામે માટીપુરણનું કામ કરતાં કોન્ટ્રાકટરના ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ભાવેશભાઈ અજમલભાઈ જીવાભાઈ રબારી તેમનું મોટરસાઈકલ લઈ દવાડા તરફ જતાં હતા. તે દરમિયાન ડમ્પરચાલકે ગફલત ભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારતાં ભાવેશ રબારી ઉ.વ.16નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયુ હતુ. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડયાં હતા અને ઘટના સ્થળ નજીક પડેલા બાઈકો અને ટ્રેકટર લોકોએ રોષે ભરાઈ સળગાવ્યા હતા. તેમજ ગાડીના કાચ તોડી નાખી 1 લાખ 10 હજારનું નુકશાન પહોંચાડયું હતું.
નુકશાન પહોંચાડનાર ચારથી પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ બાબતે વિસનગર તાલુકા પી.આઈ જે.પી.ભરવાડે જણાવ્યુ હતુ કે ડમ્પરચાલકે બાઈકચાલકને ટક્કર મારતાં ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું. જેમાં લોકો ઉશ્કેરાઈ જઈ બાઈકો અને ટ્રેક્ટર સળગાવ્યું હતુ અને પોલીસે સધન બંદોબસ્ત ગોઠવી દીધો છે.