- અસામાજિક તત્વો માટે મોકળું મેદાન
- વિરપુર નગરમાં ચાર રસ્તા સહિતના વિસ્તારમાં કેમેરા નથી
- વિરપુરમા જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાને અભાવે નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે
મહિસાગર જિલ્લાના વિરપુર ગામે ના અનેક વિસ્તાર તેમજ દુકાનો બહાર અને જાહેર સ્થળો પર સીસીટીવીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુનેગારોને મોકળું મેદાન મળતા ચોરી સહિતના બનાવો વધી રહ્યાં હોવાની ફ્રિયાદો સ્થાનિકોમાંથી ઉઠી રહી છે.
વિરપુર અંદાજે એકાદ લાખથી વધુ વસતી ધરાવતું ગામ છે ઉપરાંત 62 ગામડાઓનો સમૂહ ધરાવતું તાલુકા મથક પણ છે. પરંતુ વિરપુરમા જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાને અભાવે નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વિરપુરના મુકેશ્વર ચોકડી, બસ સ્ટેન્ડ, અંબીકા સોસાયટી, સીએમ દેસાઈ હાઈસ્કૂલ, વિરાજી સર્કલ, લીબડા ભાગોડ, દરજીની વાડી, સહિતના વિસ્તારોમાં લોકોની સહિત વાહન ચાલકોની ભારે અવર જવર હોય છે. ઘણી વાર વાહન ચાલકો અકસ્માત નોતરી નાસી છૂટતા હોય છે ઉપરાંત બજારમાં ખરીદી કરવા ગયેલ કોઇ મહિલા કે બુઝુર્ગ પાસેથી કોઇ ચીલઝડપ કરીને નાસી જાય તો આવા ગુનામાં પોલીસને ગુન્હો ઉકેલવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે વિરપુર શહેરમાં વહેલામાં વહેલી તકે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે..