- વિરપુરમાં કેરીના રસની દુકાનો પર ફૂડ વિભાગની તપાસ
- છ સ્થળોએથી રસના સેમ્પલ લઇ તપાસ માટે મોકલાયા
- કેરીના રસની આવી દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
વિરપુરના જાહેર માર્ગો પર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઍક્ટના લાયસન્સ વગર ઠેર ઠેર કેરીના રસની દુકાનો ધમધમી રહી છે. જેનો રસ વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજા નિસંકોચ આરોગી રહી છે. ફૂડ સેફ્ટી વિભાગના ફૂડ ઇસ્પેક્ટરની ટીમ સોમવારે વિરપુર મુકામે આવી પહોંચતા કેરીના રસની આવી દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આઠ થી દસ જગ્યાએ પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં કેટલાક સ્થળે કેમિકલ યુક્ત કલર જે સરકાર દ્વારા ખાવામાં ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મુકેલ છે. તેવો રસ અને ચાસણી જણાઇ આવતા આવા કેરીના થેલાઓ પરથી 45 કિલો કેરીનો રસ અને ચાસણીનો જથ્થો અધિકારીઓની રૂબરૂમાં નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય છ જગ્યાએથી રસના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ કેરીના રસના થેલા સરકારી નિયમ મુજબ લાયસન્સ વગર ગેરકાયદેસર હોવાનું બહાર આવતા તમામ થેલા માલિકોને દિન ત્રણમા સરકારી ધારા ધોરણ મુજબ ખાધ પદાર્થ વેચવા માટે જરૂરી લાયસન્સ માટે અરજી કરવાનુ અને અરજી ન કરે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી નોટિસ આપવામાં આવી હતી.