Navratri Mandap Collapsed In Dang : રાજ્યમાં ચોમાસાની સિઝનના અંતમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નવરાત્રિના તહેવાર વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી મારતા ખેલૈયાઓની ચિંતા વધી છે. ડાંગના આહવામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ આવતા ભંડાર ચોકમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી થયો.
ડાંગમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી
ડાંગના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, ત્યારે ડાંગના આહવામાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ આવતા ભંડાર ચોકમાં નવરાત્રિનો મંડપ ધરાશાયી થયો. જેમાં આહવામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
ડાંગના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે, ત્યારે સાપુતારામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. જેમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદના કારણે બપોરના સમયે પણ સાંજ જેવો માહોલ જોવા મળ્યો.
ડીસાના આ ગામમાં છાપરા ઉડ્યા
ઉત્તર ગુજરાતના અમુક સ્થળે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતાં ધુણસોલ ગામે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબક્યો. વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાથી કેટલાક મકાનોના છાપરા ઊડી ગયા હતા.
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ
સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિત અમુક સ્થળોએ વરસાદ વરસ્યો છે. જેમાં બગવદર, કુણવદર, ખાંભોદર અને નટવરનગરમાં ભારે પવન ફૂંકાયો. જ્યારે દ્વારકાના ભાણવડમાં સારો એવો વરસાદ ખાબક્યો.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં એક તરફ નવરાત્રિના માહોલમાં ખેલૈયાઓ ગરબાની મોજ માણી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.