IND vs AUS, Rohit Sharma : ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેર કરી દીધી છે. અશ્વિનની નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે વિશે પણ ઘણી ચર્ચાઓ શરૂ થઈ હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ અશ્વિને બ્રિસ્બેનમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ થયો હતો. અશ્વિનની નિવૃત્તિ બાદ રોહિતને પૂજારા અને રહાણે વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર તેણે રસપ્રદ જવાબ આપ્યો હતો.
શું કહ્યું રોહિતે?
હકીકતમાં ગાબા ટેસ્ટ બાદ રોહિત અને અશ્વિન પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. અહીં અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ પછી રોહિતને પૂછવામાં આવ્યું કે શું પૂજારા અને રહાણે પણ અન્ય કોઈ ભૂમિકામાં જોવા મળી શકે છે. તેનો જવાબ આપતા રોહિતે કહ્યું હતું કે, ‘અરે ભાઈ, હાલમાં ફક્ત અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. તમે લોકો મને મારી નાખશો. તે બંને હાલમાં એક્ટિવ છે અને ગમે ત્યારે સારું પ્રદર્શન કરી પાછા આવી શકે છે.’ રોહિતનો આ જવાબ સાંભળી હાજર લોકો હસી પડ્યા હતા.
લાંબા સમયથી પુજારા-રહાણે ભારતીય ટીમથી બહાર
ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે ઘણાં લાંબા સમયથી ભારતીય ટીમથી બહાર છે. ચેતેશ્વરે ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જો કે, તે ઘરેલુ ક્રિકેટમાં સતત રમી રહ્યો છે. રહાણેની વાત કરીએ તો તેણે તેની છેલ્લી ટેસ્ટ જુલાઈ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. રહાણે પણ હાલ ઘરેલુ ક્રિકેટની મેચોમાં પણ રમી રહ્યો છે.
પુજારા અને રહાણેની ક્રિકેટ કારકિર્દી
રહાણેએ ભારત માટે 85 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 5077 રન બનાવ્યા છે. તેમાં 12 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે તેણે 90 વનડે મેચમાં 2962 રન બનાવ્યા છે. પૂજારાની વાત કરીએ તો તેણે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા છે. જેમાં પૂજારાએ 19 સદી અને 3 બેવડી સદી ફટકારી છે. આ સાથે તેણે 35 અડધી સદી ફટકારી છે.