- રાહી મનવા દુઃખ કી ચિંતા કયોં સતાતી હૈ, દુઃખ તો અપના સાથી હૈ
- દરિયામાં માછલીનો જથ્થો નહીં મળતા માછીમારોએ બોટો બંધ કરી દીધી
- ચીનના નિકાસમાં ભાવ અપ-ડાઉન થાય છે અને તે પણ હવે ખાલી સસ્તો માલ જ લે છે
આમ તા.1લી જૂનથી ફીશીંગ બંધ કરવાનું હોય છે પણ દરિયામાં માછલીનો જથ્થો ઓછો થઈ જતા તેને કારણે સોમનાથ-વેરાવળની 70 ટકા ફીશીંગ બોટો ત્રણ-ચાર મહિના પહેલા જ બંધ થઈ ગઈ છે અને કાંઠો લાંગરી દેવામાં આવી છે.
સાહેબ બધા જ વર્ષો કરતા દરિયાઈ માછીમારીની આ નબળામાં નબળી સિઝન છે.ચિંતાતુર ચહેરે ભારે વિષાદ સાથે વેરાવળ બોટ એસો.-સાગર ફાઉન્ડેશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું કે યુરોપના દેશમાં થયેલા યુધ્ધની અસર આ ધંધાને વરતાઈ છે.પહેલા જે મચ્છી રૂ.300માં જતી તે હાલ રૂ.80માં વેચાણ થાય છે.સ્કયુટ,નરસિંહા મચ્છી યુરોપમાં નિકાસ થાય છે.આ ઉપરાંત સુરમાઈ,કટલ ફીશ,સ્મોલ કટલ ફીશ જે બધી યુરોપમાં જતી તેના શરૂઆતથી જ ભાવ નીચા નીકળ્યા છે.વેરાવળમાં 4500 જેટલી ફીશીંગ બોટ અને નાની બોટ 1200 છે.સરકારી તંત્રના જણાવ્યા મુજબ જિલ્લામાં 34520 માછીમારો તેમજ 6904 જેટલી બોટો અને હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃતિ કરવામા આવે છે.
વેરાવળ જીઆઈડીસીમાં 75 પ્રોસેસીંગ પ્લાંટ તેમજ 59 આઈસ ફેકટરી અને 53 જેટલા ફીશ મીલ પ્લાંટ કાર્યરત છે.જેમાં આશરે 13192 જેટલા પુરૂષો તથા મહિલાઓ કામગીરી થકી રોજગારી મેળવે છે.તેઓએ વધુમાં જણાવ્યું કે રૂષ-યુક્રેન યુધ્ધની અસર નિકાસ ઉપર પડી છે.તો ચીનના નિકાસમાં ભાવ અપ-ડાઉન થાય છે અને તે પણ હવે ખાલી સસ્તો માલ જ લે છે.ચીન પહેલા રીબીન માછલી લેતા હતા હવે બી ગ્રેઠનો નીચા ભાવવાળો માલ માગે છે.હજું 600 થી 700 બોટો દરિયામાં હશે.ટ્રીપનો ખર્ચ ગણીએ ખલાસીઓનો પગાર રૂ.1.05 લાખ,બરફ રૂ.15000,રાશન રૂ.20 હજાર,નેટ રીપેરીંગ રૂ.10 થી 12 હજાર,અન્ય ખર્ચા રૂ.10 હજાર,ડીઝલ ખર્ચ રૂ.3 લાખ જેવું થાય છે.આમ અંદાજે રૂ.4.50 લાખ ઉપરાંતનો ખર્ચ થાય અને તેથી વધુ માલ દરિયામાંથી ન મળે તો ટ્રીપ ફેઈલ જાય છે.