વલસાડ જિલ્લાના વાપીમાં એક હોટેલમા મહિલાને કાર્ડિયાક એટેક આવતા ઘટના સ્થળે જ મોત થયું હતું. મહિલા તેમના પાંચ વર્ષના દીકરાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. જન્મદિવસની ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો.
કાર્ડીયાક એટેક આવતા માતાનું મોત થયું
પુત્રના જન્મદિવસે હોટલમાં ઉજવણી ચાલી રહી હતી જે દરમિયાન દીકરાને પિતાએ તેડ્યો હતો અને તેની માતા તેને લેવા જઈ રહ્યા હતા અને તરત જ ત્યાં ઢળી પડ્યા હતા. જેથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બનતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ઉત્તરપ્રદેશમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત
આજકાલ હાર્ટએટેકથી અનેક ઘરડાઓ તો ખરાં જ પણ યુવાઓના મૃત્યુ થઇ રહ્યા છે ત્યારે એક બાળકીના હાર્ટએટેકના મોતથી સમાચાર આવતા હડકંપ મચી ગયું છે. ઉત્તરપ્રદેશના લખનઉની મોન્ટ ફોર્ટ સ્કૂલમાં શુક્રવારે બપોરે ધોરણ 3માં ભણતી એક વિદ્યાર્થીની લંચ પછી ક્લાસમાં જતી વખતે જ એકાએક બેભાન થઇને ઢળી પડી હતી. જેના બાદ તે મૃત્યુ પામી ગઇ. તેના મૃત્યુનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યું છે.
જ્યારે તેને બેભાન જોઇ તો તેના સાથી વિદ્યાર્થીઓએ એકાએક બૂમાબૂમ કરીને ટીચર્સને જાણ કરી હતી. આ દરમિયાન શિક્ષક દોડી આવ્યા અને પછી બેભાન અવસ્થામાં જ વિદ્યાર્થીનીને નજીકમાં આવેલી ફાતિમા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ત્યારબાદ માહિતી મળતા જ પરિવારજનો ત્યાં પહોંચ્યા અને માસૂમ બાળકીને ચંદન હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંના ડૉક્ટરોએ જણાવ્યું કે વિદ્યાર્થીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે. વિકાસનગર સેક્ટર-14માં રહેતા શિખર સેંગરની 10 વર્ષની દીકરી માનવી મોન્ટ ફોર્ટ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી હતી. તેની સાથે મોટી બહેન માહી પણ ધોરણ 11માં અભ્યાસ કરે છે. સવારે માનવી અને માહી સ્કૂલે ગયા હતા. બપોરે જમ્યા બાદ માનવી તેના મિત્રો સાથે કોરિડોરમાંથી ક્લાસ તરફ જઈ રહી હતી. અચાનક તે લડખડાઈ અને ઢળી પડી હતી.