વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ નેશનલ હાઈવે 48 અને વાપી અને તેની આજુબાજુના રસ્તાઓ પર પડેલા ખાડાને લઈને સતત અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને પડતી હાલાકીને લઈને વાપીના એક વ્યક્તિએ તંત્ર સામે અનોખી લડત ચાલુ કરી છે.
ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકી
આ વ્યક્તિ 48 કલાક માટે અન્નજળનો ત્યાગ કરી અને મૌન ધારણ કરીને તંત્રને જગાડવા પ્રયાસો કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને અકસ્માતો વધી રહ્યા છે અને આ અકસ્માતમાં લોકોના મોત પણ થયા છે, તેમજ વાહન ચાલકોની કાર અને બાઈકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.
અન્નજળનો ત્યાગ કરીને અને મૌન ધારણ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ
ત્યારે અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં વાપી તેમજ વાપીના આજુબાજુ અને નેશનલ હાઈવે 48 પર રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું નથી તેવા આક્ષેપ સાથે વાપીના દાળશાણીયા જયદીપ નામનો વ્યક્તિ તંત્ર જાગે અને રસ્તાનું સમારકામ થાય અને અકસ્માતોના કેસમાં ઘટાડો થાય તે માટે 48 કલાક સુધી મૌન વ્રત અને અન્ન જળનો ત્યાગ કરીને વાપી નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા બ્રહ્મદેવ મંદિર ખાતે વિરોધ પર બેસીને તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કરી રહ્યા છે. જેમના આ વિરોધને સ્થાનિક લોકોએ પણ સમર્થન આપ્યું છે, ત્યારે જોવાનું રહ્યું કે આ વિરોધ બાદ શું ખરેખર તંત્ર જાગશે?
દ્વારકામાં બિસ્માર રસ્તાને લઈ લોકોને ભારે હાલાકી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, જામનગર અને જામ જોધપુરને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેને લઈને રાહદારીઓને પણ મોટી મુશ્કેલી પડી રહી છે. આ રોડ અન્ય ગ્રામ્ય વિસ્તારોને જોડે છે અને આ સિવાય મુખ્ય માર્ગ પણ ઘણા સમયથી બિસ્માર બન્યો છે, જેને લઈને રાહદારીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ ખરાબ રસ્તાઓને કારણે અકસ્માતનો પણ ભય રહે છે.
રસ્તાનું યોગ્ય સમારકામ કરવા સ્થાનિકોની માગ
ત્યારે આ અંગે તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ રસ્તાનું યોગ્ય નિરાકરણ આવતું નથી અને જ્યારે ઈમરજન્સી સમયે દર્દીઓને જામનગર રીફર કરવામાં આવે ત્યારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું યોગ્ય રીપેરીંગ કામ કરવાની સ્થાનિકોની માગ છે.