વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દૂધની રોડ ઉપર કરચોન ગામ પાસે ટર્નિંગ ઉપર ખાનગી ટ્રાવેલ્સની એક બસની બ્રેક ફેઈલ થતા બાજુમા આવેલા ઝાડ સાથે બસ અથડાવી બસ રોકવાની પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. અને બસમાં સવાર ક્લીનર ચાલુ બસે કૂદીજતા ટાયર નીચે આવતા ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
નવસારીની ઓમ સાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ
પ્રાપ્ત વિગત અનુસાર નવસારીની ઓમ સાઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક રાકેશભાઈ પટેલે નવસારીથી દળદ નગર હવેલીના દૂધની અને આજુબાજુના વિસ્તારમાં ફરવા માટે ભાઈબીજના દિવસે ટુર ઉપાડી હતી. રાકેશ પટેલની ટુરમાં કુલ 36 યાત્રીઓનું બુકીંગ મળ્યું હતું. જેની માટે મીની બસ મેળવવાના રાકેશભાઈએ ઘણા પ્રયાસો કર્યા હતા. તહેવારોને લઈને તમામ બસો બુક રહેતા પોતાના ટ્રાવેલ્સની બસમાં 36 યાત્રીઓને લઈને બસનો ડ્રાયવર પ્રવાસીઓ સાથે દૂધની જવા નીકળ્યો હતો. દાદરા નગર હવેલી વિસ્તારનું પર્યટક સ્થળ દૂધનીથી અંદાજે 4 કિમી દૂર આવેલા ઘાટ ઉપર બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી.
બસના ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું
દાદરા નગર હવેલીના કરચોન ગામના ટર્નિંગ ઉપર બસની બ્રેક ફેઈલ થઈ જતા બસના ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું. બસની બ્રેક ફેઈલ થઈ હોવાની જાણ બસના ક્લીનરને થતા ચાલુ બસે કુદી જતા બસના પાછલા ટાયરમા આવી જતા ક્લીનરનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયુ હતુ. બસના ચાલકે રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે બસને અથડાવી બસને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતમાં લક્ઝરી બસમાં સવાર 10થી વધુ લોકો ઘાયલ થતા સારવાર અર્થે સબ જિલ્લા હોસ્પિટલ ખાનવેલમાં લઇ જવામા આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા.