વલસાડના ધરાસણા ગામમાં બબાલ થઈ છે. રેતી ભરેલા ટ્રક ચાલકે કંચન ફળિયામાં એક મકાનના આંગણામાં ટ્રક ઉતારી ટર્ન મારવા જતા મામલો બગડ્યો હતો અને ટ્રક ચાલકની ટ્રક ગ્રામજનોએ અટકાવી દીધી હતી.
ટ્રકના માલિક ભલાભાઈ દલપતભાઈ ઓડ અને ગ્રામજનો વચ્ચે તકરાર થઈ
ટ્રક ગ્રામજનોએ અટકાવીને સમગ્ર ઘટના અંગે ડુંગરી પોલીસને જાણ કરી હતી અને સાથે જ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા અને ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલી ટ્રકને ડીટેઈન કરી લીધી હતી. ત્યારે આ બનાવ બાદ સ્થળ પર અન્ય એક ટ્રકના માલિક અને ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી. ટ્રકના માલિક ભલાભાઈ દલપતભાઈ ઓડ અને ગ્રામજનો વચ્ચે તકરાર થઈ હતી. આ ઘટનામાં મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
વલસાડ સિવિલમાં રેસિડેન્ટ ડોકટર સાથે દર્દીના સંબંધીએ મારામારી કરી
વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના રેસિડેન્ટ ડોકટર સાથે દર્દીના સંબંધીએ મારામારી કરવાની ઘટના સામે આવી છે. જેને લઈને વધુ એક વાર ડોકટરની સુરક્ષાને લઈ સવાલ ઉઠ્યો છે. વલસાડ સિવિલમાં મહારાષ્ટ્રના દર્દીનું મોત થતાં તેના સંબંધીએ ઉશ્કેરાઈ જઈ ફરજ પરના રેસિડેન્ટ ડોકટરને લાફો મારી દીધો હતો. જે ઘટનાને લઈને તમામ રેસિડેન્ટ ડોકટર કામથી અળગા રહ્યા હતા અને વિરોધ કર્યો હતો.
પોલીસે આરોપીને અટકાયતમાં લઈ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી
ત્યારે ઘટનાની જાણકારી વલસાડ પોલીસ અને હોસ્પિટલના ડીનને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીને અટકાયતમાં લઈ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્યારે બીજી તરફ રેસિડેન્ટ ડોકટરોએ હોસ્પિટલની સુરક્ષા વધારવાની માગ કરી હતી.
વલસાડના પારડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત
ગઈકાલે જ વલસાડના પારડી નજીક હિટ એન્ડ રનની ઘટના પણ સામે આવી હતી. જેમાં 25 વર્ષીય યુવકનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું હતું. અજાણ્યા વાહન ચાલકે રોડ પર અતુલ નામના યુવકને ટક્કર મારી હતી અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો અને કારની ટક્કર વાગતા જ યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.