વલસાડમાં ગાઢ નિંદ્રામાં રહેલા તંત્રને જગાડવા માટે સ્થાનિકોઓએ હવે અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે અને ખાડાથી બચવા માટે લોકોએ હવે નવો નુસખો અજમાવ્યો છે અને તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.
ખેતરોમાં પ્રયોગ થતાં ચાડિયોનો ઉપયોગ હવે રસ્તાઓ પર
શહેરના બિસ્માર રસ્તાઓ તંત્ર દ્વારા રીપેર કરવામાં ન આવતા લોકોએ અનોખો વિરોધ કર્યો છે અને સ્થાનિકોએ હવે ખાડા પડ્યા હોય ત્યાં ચાડિયો બનાવી લોકોને ખાડામાં પડવાથી બચાવ્યા છે. ખેતરોમાં પ્રયોગ થતાં ચાડિયોનો ઉપયોગ હવે રસ્તાઓ પર લોકોને ખાડામાં પડવાથી બચાવવા માટે થઈ રહ્યો છે પણ તંત્રને રોડ રસ્તા રીપેર કરવા માટે જાણે કે સમય જ ના હોય તેવુ લાગી રહ્યું છે. વરસાદને કારણે બિસમાર રસ્તાઓને લઈને હાલમાં તો સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ
વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે અને શહેરના વાપી સ્ટેશન રોડ, ગીતાનગર રોડ, વાપી રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. વાપીના મુખ્ય માર્ગોમાં પણ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી સવારે વરસાદી પાણી ભરાતા વાપી વાસીઓના વાહનો પણ પાણીમાં બંધ પડી ગયા હતા. મેઘરાજા વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી બેટિંગ કરી રહ્યા છે અને વલસાડ જિલ્લામાં વાપી અનેક સ્થળો પર પાણી ભરાયેલા છે.