વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશો કરી કાર ચલાવનાર રક્ષિત ચોરસીયાના કારણે આજે વડોદરાના ત્રણ પરિવાર હોસ્પિટલમાં દિવસ-રાત ગુજારીને પોતાના સંતાનો સાજા થયા તે માટે દોડધામ કરી રહ્યા છે. બીજી તરફ સામાન્ય પરિવારને મુશ્કેલીમાં મુકનાર રક્ષિત ચોરસિયાના આજે રિમાન્ડ પૂર્ણ થતા હોય પોલીસે આરોપી તેને ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે પોલીસે આરોપીના વધુ રિમાન્ડની માગણી ના કરતા કોર્ટે રક્ષિત ચોરસિયાને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી રોડ પર હોળીની રાતે બનેલા બહુચર્ચીત રક્ષિતકાંડના આરોપી રક્ષિત ચોરસિયા નશામાં ધૂત થઇ બેફામ કાર હંકારી આઠ લોકોને અડફેટે લીધા હતા. જેમાં 37 વર્ષીય એક મહિલા હેમાલી પટેલનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જયારે મૃતકના પતિ સહિત 7 લોકો ગંભીર ઇર્જાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર મામલે કારેલીબાગ પોલીસે આરોપી રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ સાપરાધ માનવ વધ હેઠળ તેની ગુનો નોંધી આરોપીને કોર્ટમાં રજુ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપી રક્ષિતને ફરી કોર્ટમાં રજૂ કરી અલગ-અલગ મુદ્દા પર તપાસ કરવા વધુ ત્રણ દિવસના ફરધર રિમાન્ડની માંગ કરી હતી. જેમાં નામદાર કોર્ટ આરોપીના વધુ 2 દિવસના ફરધર રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે પૂર્ણ થતા પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી રક્ષિતને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં પોલીસે આરોપીના વધુ રિમાન્ડની માગણી ના કરતા કોર્ટે રક્ષિત ચોરસિયાને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા નો હુકમ કર્યો હતો.