ઉનાળામાં ગરમી વધતાં રાજ્યની હોસ્પિટલોમાં દર્દીઓ માટે કુલરની વ્યવસ્થા કરવા આદેશ કરાયો હતો. ત્યાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 50 જેટલા કુલર ભાડેથી લાવીને વોર્ડમાં મુકવામાં આવ્યા હતાં. આ કૂલરો પૈકી એક કૂલરનું દૈનિક ભાડુ 300 રૂપિયા નક્કી કરાયુ હતું. આ મુદ્દે સ્થાનિક નગર સેવક બાલુ સુર્વેએ હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે અધિકારીઓ સામે તપાસ કરવાની માગ કરી હતી.
આઠ લાખના કુલરનું 13.50 લાખ ભાડૂ ચૂકવાશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકારે દરેક હોસ્પિટલમાં દર્દીઓ માટે કૂલર મુકવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે 50 કુલર ભાડે લાવવામાં આવ્યા હતાં. જેમાં એક કુલરનું દૈનિક ભાડુ 300 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. સ્થાનિક નગર સેવક બાલુ સુર્વેએ હોસ્પિટલ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, એસએસજી હોસ્પિટલ દ્વાર આઠ લાખના કુલરનું 13.50 લાખ ભાડૂ ચૂકવશે. ત્રણ મહિને કોન્ટ્રાક્ટરને 13.50 લાખ ચૂકવાશે.
અધિકારીઓ સામે તપાસ બેસાડવા માગ
કોર્પોરેટર બાલુ સુર્વેએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં જે કૂલર મુકવામાં આવ્યા છે તે કુલરની બજાર કિંમત 17 હજાર રૂપિયા છે. 50 કુલરની ખરીદ કિંમત 8.50 લાખ રૂપિયા થાય છે. હોસ્પિટલના આઈસીયુમાં સેન્ટ્રલ એસી હોવા છતાં કુલર મુકવામાં આવ્યાં છે. બાલુ સુર્વેએ હોસ્પિટલમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલના અધિકારીઓ સામે તપાસ બેસાડવા માગ કરવામાં આવી હતી.