Vadodara Sayajibaug Park Joy Train Accident: ગુજરાતના વડોદરાના સયાજીબાગમાં ફરવા આવેલી ચાર વર્ષની બાળકીનું શનિવારે સાંજે બગીચામાં જોય ટ્રેનની અડફેટે આવી જવાથી મોત થયું હતું. અકસ્માત કર્યા બાદ જો ટ્રેનનો ડ્રાઈવર ભાગી ગયો હતો. આ દુઃખદ ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ તપાસ માટે જોય ટ્રેન સેવા સ્થગિત કરી દીધી હતી.
શનિવારે સાંજે 6 વાગેની આસપાસ ખાતિમ પઠાણ તેના પરિવાર સાથે ગેટ 2 કોમન એન્ટ્રીથી સયાજીબાગના બગીચામાં આવ્યા ત્યારે આ અકસ્માત થયો હતો. તેઓ બગીચામાં પ્રવેશતા સીધા જ જોય ટ્રેનના પાટા પર આવી જાય છે. પઠાણ પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ખાતિમ જોય ટ્રેનની નજીક હોવાથી તેના પૈડા નીચે ખેચાઈ ગઈ. બાળકીને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
રાજ્યના ભરૂચ જિલ્લાના જંબુસરથી બગીચામાં ફરવા આવેલા પીડિત પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે ગેટ 2 થી આવતા લોકોને આવતી ટ્રેન વિશે કોઈ ચેતવણી આપવામાં ન આવી હોવાથી આ અકસ્માત થયો છે.
પીડિતાના એક સંબંધીએ જણાવ્યું કે, “કોઈ હોર્ન વાગ્યો ન હતો, કોઇ ગાર્ડ ન હતો અને ચેતવણી પણ આપવામાં આવી ન હતી. અમે બધા તેની નજીક હતા, પરંતુ અમને ખબર ન હતી કે ટ્રેન ટીન શીટ ટનલના બ્લાઇન્ડ વળાંક પરથી આવી રહી છે, જ્યાં આ ઘટના બની હતી… બાળકી જોય ટ્રેનના વ્હીલ નીચે આવ્યા પછી પણ ડ્રાઇવરે સમયસર ટ્રેન રોકી ન હતી. ત્યાં સુધીમાં, લગભગ પાંચ વ્હીલ તેના પર ફરી ચૂક્યા હતા,”
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બાળકીને લઇ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરતા પરિવારના સભ્યોને ઉંડો આઘાત લાગ્યો હતો. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા હોસ્પિટલ પહોંચ્યા હતા અને પૂછપરછ કરી હતી. બારોટે કહ્યું, “જો અકસ્માત બેદરકારીને કારણે થયો હોય તો તે તપાસનો વિષય છે… તેની તપાસ કરવામાં આવશે, અને CCTV કેમેરા પણ તપાસવામાં આવશે.
સયાજીગંજ પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યા પછી શોધખોળ શરૂ કરી હતી, જ્યારે VMC એ કોન્ટ્રાક્ટર ખોડલ કોર્પોરેશનને જોય ટ્રેન તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો હતો. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે જોય ટ્રેનમાં ચઢેલા મુસાફરો અને ટિકિટ ખરીદનારા અને પોતાના વારાની રાહ જોઈ રહેલા મુસાફરોને ટ્રેન ટિકિટના રિફંડ આપવામાં આવ્યા હતા.
આ પાર્કની મુલાકાત લેતા, ચાલતા જતા અથવા બગીચામાં અનેક સ્થળોએ ટ્રેનના પાટા ઓળંગતા મુલાકાતીઓની સલામતી અંગેની પહેલી ઘટના નથી. ઓક્ટોબર 2023માં ચાર બાળકોની 42 વર્ષીય માતા ટ્રેનમાં કપડા ફસાઇ જતા અડફેટે આવી ગઈ હતી. આ ઘટના બાદ મહિલાનો જમણો હાથ કાપી નાખવો પડ્યો હતો.