વડોદરામાં સર્જાયેલા ગોઝારા હરણી બોટકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના મામલે સનરાઈઝ સ્કૂલ સામે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મૃતક શિક્ષિકાઓના પરિવારજનોએ સનરાઈઝ સ્કૂલ સામે ફરિયાદ નોંધાવી છે. આ બંને શિક્ષિકાઓને રુપિયા 7,500 પગાર અપાતો હતો અને સંચાલકો રુપિયા 17,000ની પાવતી પર ખોટી સહી કરતા હતા.
શિક્ષિકાઓના મૂળ પગાર મુજબ વળતર મળે તેવી માગ
આ સમગ્ર ભાંડો કલેકટર કચેરી ખાતેથી દસ્તાવેજ મળતા ફૂટ્યો છે અને હવે શિક્ષિકાઓના મૂળ પગાર મુજબ વળતર મળે તેવી માગ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે હરણીમાં પ્રવાસે ગયેલા બાળકોની બોટ પલટી ગઈ હતી અને જેમાં 12 બાળકો સહિત 2 શિક્ષિકાઓના મોત થયા હતા. મૃતક છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ સનરાઈઝ સ્કૂલના શિક્ષિકા હતા.
હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ
તમને જણાવી દઈએ કે વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટનાને 18 જાન્યુઆરીએ જ એક વર્ષ પૂર્ણ થયું છે. ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોએ મૃતકોને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. વર્ષ પૂર્ણ થયા બાદ પણ આ ઘટનામાં દોષિત તમામ તમામ આરોપીઓ હાલમાં જામીન પર મુક્ત છે. મૃતકોના પરિવારજનો દોષિતાને કડકમાં કડક સજા થાય માટે ન્યાયની ભીખ માગી રહ્યા છે. ત્યારે હરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ થવા પર પરિવારજનોએ સન રાઈઝ સ્કૂલ ખાતે 14 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
બોટ પલટી ખાતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી
ગત 18 જાન્યુઆરી 2023એ વડોદરામાં ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી. શહેરમાં આવેલા હરણી તળાવ ખાતે શાળાના બાળકો પિકનિક મનાવવા આવ્યા હતા. તળાવમાં બોટિંગ સહિતની અન્ય એક્ટિવિટી પણ કરવામાં આવતી હતી. તળાવમાં બોટિંગ એક્ટિવિટ કરતી વખતે બોટ પલટી ખાતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. તળાવમાં બોટ પલટી જતા શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. ઘટનાને લઈને રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. બોટમાં ક્ષમતા કરતાં વધુ વજન થવાના કારણે આ બનાવ બન્યો હોવાનું કારણ સામે આવ્યું હતું.