ગુજરાતમાં સ્પીડમાં વાહન ચલાવવાની ઘેલછામાં અનેક લોકોને અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવે છે. વડોદરાના શિનોરમાં ધો.11નું પરિણામ લઈને ઘરે જતાં બે વિદ્યાર્થીઓના અકસ્માતમાં મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અન્ય બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી પહોંચી હતી.બાઈક ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
મોટા ફોફળિયા- ઝાંઝડ રોડ ઉપર બન્યો બનાવ
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના શિનોરમાં મોટા ફોફળિયા- ઝાંઝડ રોડ ઉપર સ્પીડમાં બાઈક લઈને પસાર થતાં વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. આ વિદ્યાર્થીઓ એક બાઈક પર ચાર સવારી જઈ રહ્યાં હતાં. બાઈક ચાલકે ટેમ્પોની ઓવરટેક કરવા જતાં સામેથી આવતું ટેક્ટર જોઈ કાબુ ગુમાવ્યો હતો. જેથી બાઈક ટેમ્પોને અથડાયુ હતું. જેમાં બાઈકની વચ્ચે બેઠેલા 18-18 વર્ષના બે યુવકો શિવમ વસાવા અને કરણ વસાવા ટેમ્પોના ટાયર નીચે આવી જતાં બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.
પિતાએ પુત્રના મોતને નજરે જોયુ
રોડ પર સામેથી આવી રહેલા ટ્રેક્ટરના ચાલકનો પુત્ર બાઈક પર સવાર હતો. જેથી આ અકસ્માતમાં પિતાએ પુત્રના મોતને નજરે જોયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક અને પાછળ બેઠેલા બે યુવકોને પગ અને હાથના ભગે નાનીમોટી ઇજાઓ પહોંચી હતી. શિનોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતાં.