વડોદરામાં શાકભાજીના ભાવ સાવ તળીયે જતા રહ્યા છે અને ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. શાકભાજી બજારમાં ખાસ કરીને ટામેટાના ભાવ ખુબ જ ગગડ્યા છે. છુટક બજારમાં 10 રૂપિયે કિલો ટામેટા મળી રહ્યા છે. ત્યારે કોબીજ અને ફ્લાવર પણ 10 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.
બચેલા શાકભાજી ફેંકી દેવાનો આવ્યો વારો
જ્યારે મેથી 8 રૂપિયા કિલો અને 20 રૂપિયાની અઢી કિલો મળી રહી છે. થોડા દિવસ પહેલા મેથી 120 રૂપિયે કિલો મળતી હતી. તમામ શાકભાજીની આવક બજારમાં વધતા ભાવ તળીયે પહોંચી ગયા છે. હાલમાં તો વેપારીઓ અને ખેડૂતોને રોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગ્રાહકો જથ્થાબંધ શાકભાજી ખરીદતા નથી, ત્યારે વેપારીઓને પણ રોજ બચેલા શાકભાજી ફેંકી દેવાનો વારો આવ્યો છે.
ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા
ઉલ્લેખનીય છે કે શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે . ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. પરિણામે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે. એક બાજુ ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે, દવા બિયારણ મોંઘા થઈ રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ મોટા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. સારા ભાવ મળવાની આશાએ ટામેટા, કોબી , ફુલાવર અને રીંગણા સહિતના શાકભાજીનું વાવેતર કર્યું પણ હાલમાં શાકભાજીના ભાવ પૂરતા નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સરકાર ટેકાના ભાવે શાકભાજીની ખરીદી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.