ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતાની સાથે જ લોકોનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ મીટરનું બિલ વધુ આવતુ હોવાથી લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રીએ સ્માર્ટ મીટરના ફાયદા વર્ણવ્યા હતા, પરંતુ વડોદરા અને ગોધરા સહિત રાજ્યભરના શહેરીજનોમાં સરકારના આ નિર્ણય સામે ભારે રોષ જોવા મળ્યો છે. વડોદરાના વાઘોડિયામાં એમજીવીસીએલના સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે લોકોએ વિરોધ કર્યો હતો.
જાણ કર્યા વિના જ મીટર લગાવ્યા હોવાનો આરોપ
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના વાઘોડિયાના ગુગલીયાપુરા અને નાની ભાગોળ વિસ્તારમાં ડિજિટલ મીટર હટાવી સ્માર્ટ મીટર લગાવાતા લોકોએ વિરોધ કર્યો હતો. લોકોએ વીજ કંપની દ્વારા જાણ કર્યા વિના જ મીટર લગાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. લોકોમાં વધી રહેલો રોષ જોઈને વીજ કંપનીના કર્મચારીઓએ કામગીરી અટકાવી હતી.
કર્મચારીઓ લોકોનો રોષ જોઈને સ્થળ છોડીને નીકળી ગયા
ગુગલીયાપુરા અને નાની ભાગોળ વિસ્તારમાં ડિજિટલ મીટર હટાવીને સ્માર્ટ મીટર નાંખવાની કામગીરી કરવા આવેલા કર્મચારીઓને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. કર્મચારીઓ લોકોનો રોષ જોઈને સ્થળ છોડીને નીકળી ગયા હતાં. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે છે. વિધાનસભામાં સરકારે અગાઉ દાવો કર્યો હતો કે, રાજ્યમાં વીજ ગ્રાહકો માટે પ્રીપેઇડ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવાના નિયમો છે.