ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ પડતર માગો મુદ્દે આંદોલન કરી રહ્યાં છે. વડોદરામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આજે સરકાર સામે બાંયો ચઢાવી છે. પડતર પ્રશ્નો મુદ્દે મહેસૂલ કર્મચારીઓએ દેખાવો યોજીને વિરોધ પ્રદર્શન કર્યું છે. બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને તેમની માગો પુરી કરવા આંદોલન શરૂ કર્યું છે. નાયબ મામલતદારો, તલાટી અને કલાર્ક સહિતના કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે.
કર્મચારીઓએ આજે માસ સીલ પર ઉતરીને દેખાવો કર્યા
વડોદરામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આજે સરકાર સામે બાંયો ચઢાવી છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓએ આજે માસ સીલ પર ઉતરીને દેખાવો કર્યા હતાં. બેનરો સાથે એકઠા થઈને પોતાના પડતર પ્રશ્નો અંગે સુત્રોચ્ચાર કર્યા હતાં. કર્મચારીઓએ પ્રિ – સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર કરવા, LRQ/HRQ પરીક્ષાનું આયોજન કરવા અને નાયબ મામલતદારની ખાલી જગ્યાઓ પ્રમોશનથી ભરવા માગ કરી કરી છે.
વાલીઓ અને ખેડૂતોને હેરાન થવું પડ્યું
વડોદરામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતાં આવકના દાખલા સહિતની કામગીરી અટકી પડી હતી. તે ઉપરાંત બિનખેતી, રેશનકાર્ડ સહિતની કામગીરી અટવાઇ હતી. સવારથી કચેરીએ આવેલા લોકોને મોટો ધક્કો પડ્યો હતો. કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને પગલે કચેરીમાં પોતાનું કામ લઈને આવેલા લોકો હેરાન થયા હતાં. સ્કૂલોમાં આપવાના દાખલા માટે વાલીઓ પણ કચેરીમાં આવ્યા હતાં. બીજી તરફ ખેતી માટે અને જમીન માટેના કામો લઈને આવેલા ખેડૂતોને પણ હેરાન થવાનો વારો આવ્યો હતો.