વડોદરામાં પાદરાના સરકારી અધિકારી ભાન ભૂલ્યા. સરકારી અધિકારી દારૂના નશામાં ધૂત જોવા મળ્યા. રાત્રે કારમાં ફરવા નીકળેલ મામલતદાર નશામાં ધૂત હોવાના કારણે ગાડીમાં જ ઢળી પડ્યા. સ્થાનિકોનું ધ્યાન જતાં પોલીસ બોલાવી.પોલીસે નશેડી મામલતદારની ધરપકડ કરી.
સરકારી બાબુઓ બેફામ
રાજ્યમાં સરકારી બાબુઓ બેફામ બન્યા છે. પાદરાના ડેપ્યુટી મામલતદાર ચિક્કાર નશાની હાલતમાં ઝડપાયા. પાદરામાં જેતલપુર બ્રિજના વિસ્તારમાં ખોદકામની કામગીરી ચાલી રહી છે. દરમ્યાન માર્ગ પરથી પસાર થતી એક કારે અકસ્માત સર્જયો. ખોદકામ ચાલુ હોવાથી કાર ટર્ન ના લઇ શકી અને જેતલપુર બ્રિજ નીચે કાર દિવાલ સાથે ધડકાભેર અથડાઈ. જોરદાર અવાજ આવતા આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવ્યા. સ્થાનિકોએ જોયું કે દિવાલ સાથે અથડાયેલ કારમાં એક વ્યક્તિ સીટ પર ઢળી પડ્યો હતો.કારે અકસ્માત સર્જતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી.
નશામાં ધૂત મામલતદાર
પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી તપાસ હાથ ધરી. ઘટનાસ્થળ પર પંહોચેલ પોલીસે તપાસ કરી તો કારની અંદરનો શખ્સ ભારે નશામાં હતો. તેમજ કારમાંથી સરકારી અધિકારીઓના નામની રખાતી એક નેમ પ્લેટ મળી આવી. મળી આવેલ પ્લેટમાં પાદરાના ડેપ્યુટી મામલતદારનું નામ નરેશ વણકર લખ્યું હતું. આથી પોલીસને પ્રાથમિક અનુમાન છે કે તહેવારની ઉજવણીમાં પાદરાના મામલતદાર નરેશભાઈ વણકર કારમાં ફરવા નીકળ્યા હશે. પરંતુ મામલતદારે ચિકાર દારુ ઢીંચ્યો હોવાના સંતુલન ગુમાવતા યુટર્ન લેવાના બદલે દિવાલ સાથે કાર અથડાવી અકસ્માત સર્જયો.દારુના નશામાં મામલતદારની કાર ખાડામાં ફસાઇ અને તે બહાર નીકળી શકયા નહીં.
પોલીસે કરી અટકાયત
ઘટનાના સાક્ષી રહેલ સ્થાનિકનું કહેવું છે કે તેઓ તહેવારની ઉજવણી બાદ ચાલવા નીકળ્યા હતા. ત્યારે દિવાલ સાથે અથડાયેલ કાર જોઈ. કાર ખુલ્લી હતી અને એક શખ્સ સીટ પર ઢળી પડ્યો હતો. જો કે અમને ખબર નથી કે આ કોણ છે પરંતુ અકસ્માતની ઘટના લાગતા અમે પોલીસની જાણ કરી. અકોટા પોલીસે કરી નશેડી ડેપ્યુટી મામલતદારની ધરપકડ કરી. અત્યારે ઠંડીના માહોલમાં પણ સરકારી અધિકારીઓનો પારો ગરમ છે. પાદરાના મામલતદારે પોતાની ફરજ ભૂલી નશામાં કાર હંકારી. શું સરકારી અધિકારી સામે ડ્રિંક અને ડ્રાઈવનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે કે પછી અંદરો-અંદર મામલાની પતાવટ થઈ જશે?