વડોદરાના નંદેસરીમાં આવેલી રિફાઈનરીમાં મોટો બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. નંદેસરી ખાતે આવેલી IOCL કંપનીમાં મોટો બ્લાસ્ટ થયો અને અચાનક જ મોટી આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે.
IOCL કંપનીમાં બોઈલર ફાટતા લાગી આગ
IOCL કંપનીમાં બોઈલર ફાટતા આગ લાગવાની ઘટના બની છે. રિફાઈનરીમાં પહેલા બ્લાસ્ટ થયો અને ત્યારબાદ વિકરાળ આગ લાગી અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા અને દૂર દૂર સુધી તેનો ધુમાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આગની આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે.
આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા
આગનું વિકરાળ સ્વરૂપ જોઈને આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને ડરનો માહોલ સર્જાયો છે. જો કે તાત્કાલિક આગની ઘટના બાદ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. ટેન્ટ વિસ્તારમાં બ્લાસ્ટ થવાની અને આગ લાગવાની ઘટના બની છે. જો કે આ મોટી દુર્ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી.
પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી
વડોદરામાં આવેલી IOCL કંપનીમાં ભીષણ આગ પર 4 કલાકથી કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગની આ ઘટનામાં 4 જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. જો કે એક કર્મચારી લાપતા હોવાનું સામે આવ્યું છે. આગના કારણે દૂર દૂર સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા. હાલમાં તમામ કર્મચારીઓને કંપની બહાર કાઢવામાં આવ્યા છે અને પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
વડોદરાની IOCLમાં આગ મુદ્દે પોલ્યુશન બોર્ડનું નિવેદન
વડોદરાની IOCLમાં આગ મુદ્દે પોલ્યુશન બોર્ડના ઓફિસર જે.એમ.મહિડાએ નિવેદન આપતા કહ્યું કે બપોરે 3.30 કલાકની આસપાસ આગ લાગી હતી, હજુ સુધી ઈજાગ્રસ્તોની કોઈ માહિતી નથી. આસપાસના ગામોની સ્થિતિ હાલ ચિંતાજનક નથી. જરૂર પડશે તો લોકોને સાવચેત કરીશું, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
વડોદરામાં ગાજરાવાડી રોડ બન્યો ડિસ્કો રોડ
વડોદરામાં ગાજરાવાડી રોડ ડિસ્કો રોડ બન્યો છે. રામનાથ મંદિર સુધીનો રોડ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે. ગટરના લેવલ મેઈન્ટેઈન નહીં થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દર વર્ષે ચોમાસા બાદ અહીં રોડ બનાવવામાં આવે છે. ખાડાઓને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. કરોડો રૂપિયાનો વાહન ટેક્સ ભરતા હોવા છતાં ઉબડખાબડ રસ્તાઓમાંથી વાહન લઈને પસાર થવું પડે છે. વાહનચાલકો કમરના દુખાવા સહિતની ફરિયાદો કરી રહ્યા છે. ત્યારે તંત્ર વહેલી તકે કામગીરી કરે તેવી નાગરિકો માગ કરી રહ્યા છે.