રેતી કલાકાર સુદર્શન પટનાયકે ઓડિશાના પુરી બીચ પર કેન્દ્રીય બજેટ 2025 ની થીમ પર સુંદર રેતીની આર્ટવર્ક બનાવી છે. આ આર્ટવર્ક દ્વારા તેમણે દેશના બજેટનું મહત્વ દર્શાવ્યું છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે શનિવાર, 1 ફેબ્રુઆરીએ લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. સામાન્ય બજેટ 2025-26 સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. મોદી સરકાર 3.0નું આ પહેલું ફુલ ટાઈમ બજેટ છે. નાણામંત્રી સતત 8મું બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે.
સંસદનું બજેટ સત્ર શુક્રવારથી શરૂ થયું છે. શુક્રવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રમાં પોતાના ભાષણમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી સરકારની સફળતાઓને ઉજાગર કરી હતી. જેમાં રોજગાર, મહિલા સશક્તિકરણ અને ભારત એઆઈ મિશન જેવી યોજનાઓનો ઉલ્લેખ છે. આ સાથે ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આર્થિક સર્વે 2024-25 રજૂ કર્યો હતો. જેમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે નાણાકીય વર્ષ 26માં ભારતની અર્થવ્યવસ્થા 6.3 થી 6.8 ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે.
સરકાર કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે?
આ વખતના બજેટમાં સરકાર કેટલાક ખાસ ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે, જે અર્થતંત્રને મજબૂત બનાવશે.
રિયલ એસ્ટેટ:
ઘર ખરીદનારાઓને વધુ કર લાભો આપવા, અન્ડરકન્સ્ટ્રક્શન પ્રોપર્ટી પર GST ઘટાડવા અને પોસાય તેવા આવાસને પ્રોત્સાહન આપવાની યોજના હોઈ શકે છે.
હેલ્થકેરઃ
મેડિકલ સાધનો પર જીએસટી અને આયાત ડ્યૂટી ઘટાડવાની અપેક્ષા, જેથી સારવાર સસ્તી થઈ શકે.
મેન્યુફેક્ચરિંગઃ
નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને 15% ઓછો ટેક્સ આપવાની સ્કીમ લંબાવી શકાય છે, જે ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપશે.