ખેડા જિલ્લાના બહુચર્ચિત ધી ઠાસરા ક્રેડીટ સોસાયટીના 1.75 કરોડના ડુપ્લીકેટ ગોલ્ડ લોન કૌભાંડ પ્રકરણમાં ચાર માસ બાદ મુખ્ય સુત્રધાર ચિરાગ ચોકસી અને તેમના પત્નીને પોલીસે ઝડપી પાડયા છે.
આ પ્રકરણમાં 15 ઈસમોએ બેંકમાં જુદા જુદા ખાતા ખોલાવી ડુપ્લીકેટ ગોલ્ડ લોન મુકીને પોણા બે કરોડની છેતરપિંડી આચરી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા મુખ્ય સુત્રધાર ઘણા સમયથી પોલીસ પકડથી દૂર હતો, આખરે પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઠાસરામાં આવેલ ધી ઠાસરા વેપારી ક્રેડીટ સોસાયટીમાં ડુપ્લીકેટ ગોલ્ડનું મોટું લોન કૌભાંડ બહાર આવ્યું હતું. જેમાં ચેરમેન દ્વારા ગત જુન 2024માં ગોલ્ડ વેલ્યુઅર ચિરાગ જગદીશભાઈ ચોકસી, તેમની પત્ની ઉમીયા ચોકસી, માતા ભારતીબેન સહિત 15 આક્ષેપિત ઈસમો દ્વારા બેંક સાથે રૂ. 1.75 કરોડની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ ઠાસરા પોલીસ મથકે નોંધાવામાં આવી હતી. ઈસમોએ બેંકમાં જુદા જુદા ખાતા ખોલાવી ડુપ્લીકેટ ગોલ્ડ મુકીને ઠગાઈ આચરી હતી. જેમાં બેંકના વેલ્યુઅરની પણ સામેલગીરી હતી.સોસાયટી દ્વારા તપાસ કરવામાં આવતા ઈસમોએ મુકેલા તમામ દાગીના ખોટા અને ઓછા વજનવાળા હોવાનું સામે આવ્યું હતું.
ઠાસરા પોલીસે અગાઉ આ પ્રકરણમાં કેટલાક ઈસમોને ઝડપી પાડયા હતા. પણ પ્રકરણનો મુખ્ય સુુત્રધાર ચિરાગ ચોકસી ઘણા સમયથી પોલીસને હાથ લાગતો ન હતો. બાદ આખરે ઠાસરા પોલીસ મથકના સ્ટાફની ટીમે ચિરાગ ચોકસી તથા તેની પત્નીને રવિવારે ઝડપી પાડી બંને વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે.